________________
ડૉ. ભગવાનદાસ મહેતા પોતાના “અધ્યાત્મ રાજચંદ્ર” શીર્ષક ઉપકારક મહાગ્રંથના ૧૦૦મા પ્રકરણ “શુદ્ધ ચૈતન્ય ધ્યાન”માં આ પરમધ્યાતાની અપાર અનુમોદના કરતાં વર્ણવે છે :
આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ થાઉરે (શ્રી આનંદઘનજી) - આવી શુદ્ધ આત્મોપયોગમાં અખંડ સ્થિતિરૂપ અપ્રમત્ત યોગધારા જેને વહી રહી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યના ધ્યાનની શ્રેણી પર આરોહી રહ્યા હતા. xxx એવા આત્મરત-આત્મતુષ્ટ-આત્મતૃપ્ત શ્રીમદ્ “સત્ય પર ધીમદિ' - એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” (પત્રાંક ૩૦૨, ૩૦૭) એમ પરમ સત્યનું અખંડ ધ્યાન કરતા હતા; xxx શુદ્ધતા, વિચારતાં-ધ્યાતાં-શુદ્ધતામાં રમતાં-શુદ્ધતામાં સ્થિર રહેતાં જેને અમૃતમય આત્માના શાંત સુધારસની અમૃતધારા વરસતી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચેતનરસની અમૃતાનુભૂતિ કરતા હતા. xxx શ્રીમદ્ આ શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં કેવા ઉદ્દામ આત્મપુરુષાર્થથી કેવા ઉગ્ર આત્મપરાક્રમથી પ્રવર્યા છે, તેનું દર્શન કરવા તેમના પત્રોમાં આવતા તત્ સંબંધી ઉલ્લેખો પ્રત્યે અને એમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં આવતી હૃદયોર્મિઓ પ્રત્યે અત્રે દૃષ્ટિપાત કરશું.”
(અ.રા.પૃ. ૭૦૮-૯) શુદ્ધ ચેતન્યનું તન્મય ધ્યાન : “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. કેવળ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.”
(શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૮૩૩) ચિદાકાશમાં શુદ્ધ ચૈતન્ય ધ્વનિની આકાશવાણી: “આકાશવાણી, તપ કરો, તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.”
(શ્રીમદ્ રાજચંદ્ર : પંચમાવૃત્તિ પૃ. ૮૨૮, હાથનોંધ ૧૦) સ્વયંને બોધ : પ્રથમ જિનપ્રતિમા થવાનો : “પરાનુગ્રહ, પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તેવા ક્ષેત્રયોગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો.”
(શ્રીમદ્ રાજચંદ્ર : પંચમાવૃત્તિ પૃ. ૮૨૩ : હાથનોંધ ૨) શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન