________________
ન્યાય ગ્રન્થો અને દશવૈકાલિક આદિ અલ્પ સૂત્રો કંઠસ્થ કરી આ દેહધારી ગુરુગણમાં પ્રીતિપાત્ર થયો અને સેવાના આદાન-પ્રદાન પૂર્વક દીક્ષા પર્યાયના બારમા વર્ષે ધર્મઋણની પતાવટ કરી ઉઋણ થઈને આકાશવાણીના આદેશને અમલી બનાવવા એ ગુફાવાસી બન્યો.
ગુફાવાસ માટે સર્વપ્રથમ એ વિ.સં. ૨૦૦૩ના પોષ સુદ-૧૪ને સોમવારે મારવાડના મોકલસર ગામ પાસેની પહાડી ગુફામાં પ્રવેશ્યો. ગુફાવાસ પૂર્વે જ એને સહસા સ્વાસાનુસંધાન પૂર્વક પ્રતિક્રમણ આદિ ધાર્મિક અનુષ્ઠાન કરતાં અનહદધ્વનિ પ્રગટી ગઈ હતી, જેથી ગુફામાં મંત્રમરણના પ્રાણ અને વાણી એ બંને સ્ટેજને વટાવી તેના ત્રીજા સ્ટેજ રસમાં પ્રવેશ્યો. રસ-સ્થિતિએ એને દેહભાન છૂટી જઈ સહજસમાધિમાં અવસ્થિતિ થતી હતી. સમય મર્યાદાની વાડ એ ઉલ્લંધી ગયો અને સહજાનંદ ખુમારીને અનુભવી એ સહજાનંદઘન બન્યો.
૧૧ માસ બાદ એણે ત્યાંથી અન્યત્ર પ્રયાણ કર્યું.
ત્યારબાદ ક્રમશઃ અનેક દેશ-પ્રદેશમાં અનેક ગુફાઓ તથા એકાન્ત વનોપવનોમાં વિચરતાં રહેતાં અને અનેક ધર્મના ત્યાગી-તપસ્વીઓ તથા સગૃહસ્થોનો પરિચય થયો. તેમાંના વિશેષ પરિચયમાં આવેલા કેટલાક ભાવુકોએ સ્વેચ્છાથી ભક્તિભાવનાવશ એને પ્રાપ્ત આધ્યાત્મિક અનુભવનો લાભ બીજાને અપાવવા આશ્રમ પદ્ધતિને ઉચિત ગણીને પોતાને ખર્ચે આશ્રમ બાંધી આપવાની ઓફર કરી; વળી એક સંન્યાસી મહાત્મા તો પોતાના જ આશ્રમને અર્પણ કરવા તત્પર થયા. પણ અંતરના આદેશ વિના એણે કોઈનો સ્વીકાર ન કર્યો.
પ્રસ્તાવ મુકનારા સ્વેદિ. જૈનો - અજૈનોના નામ અને સ્થાનો નીચે મુજબ છે: ૧. જોધપુર સ્ટેટ – મોકલસરની પહાડી ગુફા પાસે, ત્યાંના કબીરપંથી શા. હંસરાજજી લલવાણી તરફથી. ૨. મેવાડ સ્ટેટ – ચારભુજારોડ સ્ટેશનથી ૧ માઈલ દૂર ચંદ્રભાગા નદી તટે વિવર નામના સ્થાનમાં શા. બાલચંદ કપુરચંદ કાં.ના ભાગીદાર મુલચંદજી તરફથી. ૩/૬. મધ્યપ્રદેશ – (૧) ભોપાલથી ૩૦ માઈલ દૂર વિષ્ણાચલ પર્વતની ગુફાઓમાં વાડીગામ નિવાસી દિ. જૈનો તરફથી. (૨) સાંચી સૂપની પૂર્વે ૨૮ માઈલ રાહતગઢ સમીપ વેતવાનદી કિનારેની ગુફાઓમાં ત્યાંના દિ. જૈનો તરફથી. (૩) જબલપુર પાસેના પનાગર ગામથી ૩ માઈલ દૂર પહાડમાં ત્યાંના દિ. જેનો તરફથી.