________________
આશીર્વચન છે
આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીક સમા અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથોના રચયિતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં અપ્રતિમ ગ્રંથરચનાઓ કરી છે. એક બાજુ જૈનદર્શનના ગૂઢ જ્ઞાનનો પ્રકાશ આપનારા ગ્રંથો રચ્યા છે, તો બીજી બાજુ શ્રી સંઘ અને સમાજને કાજે જનસામાન્યની ભાષામાં રસાળ અને રસપૂર્ણ કૃતિઓની રચના કરી છે. “ન્યાયાચાર્ય', “તત્ત્વવિશારદ', કૂર્ચાલ શારદા'ના માનભર્યા બિરુદ પામનારા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દિ વર્ષના માંગલ્યમય પ્રસંગે યશોભારતી નામક પ્રવચનમાળાનું આયોજન કર્યું હતું. એ સમયે નિબંધસ્પર્ધા પણ યોજી હતી. એ પ્રવચનોને ગ્રંથરૂપે સંગ્રહિત, કરવાની અમારી ભાવના હતી અને તે કાર્ય સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈએ તેમની પ્રાજ્ઞલેખિનીથી બજાવ્યું, એ માટે તેઓને આશીર્વાદ આપું છું. આ ગ્રંથ સૌ કોઈને ઉપયોગી થઈ રહેશે, તેવી ભાવના રાખું છું.
– ચંદ્રોદયસૂરિના આશીર્વાદ