________________
પ્રભવાદિક શ્રુતકેવલીજી, આગે હુઆ ષટ્ જેમ; કલિમાંહે જોતાં થકાજી, એ પણ શ્રુતધર તેમ. વાદ વચન-કણિ ચઢોજી, તુજ શ્રુત-સુરમણિ ખાસ; બોધિ વૃદ્ધિ હેતે કરેજી, બુધજન ત. અસાસ.’’ સુજસવેલી
આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યો, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડ્યો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપલ્લવિત થઈ, યોગ કલ્પતરુ ફલભારથી નમ્ર બન્યો, યુક્તિ આગ્રહબંધનથી મુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તિપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યો, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે શ્રુતચિંતામણિ મળ્યો, અનુભવને મુખ જોવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદો દુર્બલ થયા, વાડાનાં બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, દંભના પડદા ચિરાયા, ગુરુઓના ડેરા તંબૂ ઊપડ્યા, વેષવિડંબકોને વિડંબના થઈ, શુષ્ક જ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજડોની જડતાની જડ ઊખડી અને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મ સ્વરૂપે પ્રસિદ્ધ થયો. આવા ગુણસમુદ્રનું ગુણગાન કેમ થાય ? ગુણદ્વેષી મત્સરવંત દુર્જનોની પરવા કર્યા વિના શ્રી કાંતિવિજયજી પણ કહે છે કે
‘‘શ્રી યશોવિજય વાચક તણા, હું તો ન લહું ગુણ વિસ્તારો રે; ગંગાજલ કણિકા થકી એહના, અધિક અછે ઉપગારો રે. વચન રચન સ્યાદ્વાદનાં, નય નિગમ આગમ ગંભીરો રે; ઉપનિષદા જિમ વેદનાં, જેમ કવિ ન લહે કોઈ ધીરો રે. શીતલ પરમાનંદિની, શુચિ વિમલ સ્વરૂપ સાચી રે; જેહની રચના-ચંદ્રિકા, રસિયા જણ સેવે રાચી રે.’’ ઇત્યાદિ પ્રકારે કવિજનોએ જેમના ગુણાનુવાદ મુક્તકંઠે ગાયા છે, એવા આ સુકૃતિ યશોવિજયજી પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. ‘સુકૃતિ એવા તે રસસિદ્ધ કવીશ્વરો જયવંત છે કે, જેની યશઃકાયમાં જરામરણજન્ય ભય નથી’– આ શ્રી ભર્તૃહરિની ઉક્તિ શ્રી યશોવિજયજીના સંબંધમાં
શોભારતી ૩૧૧૮