________________
ઉપઘાત આ પુસ્તક એક જૂના ખ્યાલના ફળ રૂપે આજે પ્રસિદ્ધ થાય છે તેથી આનંદ ઊપજે છે. આલ્મીર મોડે ટૉલ્સ્ટૉયના કલાવિષયક લેખોનો સંગ્રહ (ટૉલ્સ્ટૉય ઑન આર્ટ') ઈ. સ. ૧૯૨૪માં અંગ્રેજીમાં બહાર પાડ્યો; બીજે વર્ષે તે વાંચવામાં આવતાં મને લાગ્યું કે, તેનો મુખ્ય ભાગ (જે આ નિબંધ છે,) ગુજરાતીમાં ઉતારવો જોઈએ. એ ખ્યાલને વરસો વીત્યાં. છેવટે ઈ. સ. ૧૯૪૨-૪ ના જેલનિવાસ દરમિયાન એ કામ કરી શક્યો, તેથી એક પ્રકારની કૃતકૃત્યતા પણ થાય છે.
શરૂમાં જેલમાં અમે એટલા બધા હતા અને આખું વાતાવરણ એવું તો ખળભળતું હતું કે, તે ભીડ અને ઉછાળામાં આવા પુસ્તકનું કામ કરી ન શકાય. પછી ધીમે ધીમે તેમાં સુધારો થતો ગયો; સંખ્યા પણ ઓછી થતી ગઈ; અને દોઢેક વર્ષે મને થયું કે, હવે તો આ કામ એટલા સારુ પણ કરવું જોઈએ કે જેથી આ જેલનિવાસનું કાંઈક સંભારણું પણ રહે. એમ વિચારી, એ પાછળ મંડી પડ્યો ને એક મહિનાની અંદર તેને પૂરું કર્યું. અંતે આપેલી પરિચયસૂચિ વગેરે ત્યાર બાદ બહાર આવીને તૈયાર કર્યા છે.
એક આર્ષ ગ્રંથ કલા ઉપરનો ટૉલ્સ્ટૉયનો આ નિબંધ તેના થોડાક આર્ષ ગણાતા ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ વિશે તેમણે જ તેના અંતિમ પ્રકરણમાં લખ્યું છે:
મને નિકટ એવા કલાના વિષય પરનું મારું આ પુસ્તક યથાશક્તિ મેં પૂરું કર્યું છે. તેમાં મેં મારી સર્વ શક્તિ આપી છે; તેણે મારાં ૧૫ વર્ષ લીધાં છે. આ વિષયે મારાં ૧૫ વર્ષ લીધાં છે એમ કહેવામાં મારે