________________
૭૨
શોધ-ખોળની પગદંડી પર
તેવું ભાષાસ્વરૂપ હેમચંદ્રાચાર્યને જૈન આગમગ્રંથોમાં જોવા મળ્યું ન હતું. એ હસ્તપ્રતોની પ્રાકૃતભાષામાં પ્રાકૃત વ્યાકરણની પરંપરા પ્રમાણે જે વિવિધ પ્રાકૃત પ્રકારો ઠરાવેલા હતા, તેમનું મિશ્ર સ્વરૂપ જોવા મળતું હતું.
* કયા હેતુથી પ્રાકૃત ભાષાઓનાં વ્યાકરણ રચાતાં હતાં, અને તે અનુસાર હેમચંદ્રાચાર્યનું લક્ષ્ય શું હતું તે સમજ્યા વિના નિત્તી દોલ્વીએ પોતાના પુસ્તક The Prakrit Grammarians (અંગ્રેજી અનુવાદમાં) હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણની જે ટીકા કરી છે, તે અજ્ઞાનમૂલક અને અન્યાયી જ કહી શકાય. પણ તેની વિગતે વિચારણા કરવાનું અહીં અપ્રસ્તુત છે. પિશેલે પણ હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા’માં જે ઉદાહરણપદ્યો આપેલાં છે, તેની વગર સમજ્યે ટીકા કરી હતી. એ વિદ્વાનોએ પ્રાકૃત ભાષાના અધ્યયનક્ષેત્રે જે મહત્ત્વનું યોગદાન કરેલું છે તે આદરણીય છે, પરંતુ આ બાબતને લગતાં તેમના વિચારો અને મંતવ્ય ભૂલ ભરેલાં છે.