________________
સોનલ માનસિંઘનો નૂતન નર્તનપ્રયોગ : “દ્રોપદી'
૧. દસમી નવેમ્બર ૧૯૯૪ના રોજ નર્તનક્ષેત્રે એક અગ્રણી કલાકાર તરીકે સુપ્રિતિષ્ઠિત અને અનેક યશસ્વી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ સોનલ માનસિંઘે મુંબઈમાં પોતાનો એક નૂતન નર્તનપ્રયોગ દ્રોપદી' પ્રસ્તુત કર્યો હતો. ત્યારે મારું મુંબઈમાં હોવું, મિત્ર સુનીલ કોઠારીનો આગ્રહ અને સ્થૂળ સગવડોની સુલભતા - એ કારણોને લીધે ઉક્ત પ્રયોગ જોવાનો મને સુયોગ સાંપડ્યો.
સામાન્ય રીતે કલારસિક હોવા છતાં અનેક કારણે છેલ્લાં કેટલાંક વરસોથી ચાલુ નાટક, નૃત્ય વગેરે જોવાનું મારાથી હવે નથી બનતું. નૃત્યકલા, સંગીત, તાલ, અભિનય, રંગસજ્જા, પ્રકાશ-આયોજન – આ બધાની મારી જાણકારી અને સમજ એક પૃથજનની : તેમની બારીકીઓ, પરિભાષા અને નૂતન વિકાસથી હું અજાણ. છતાં પણ ઘણા વરસે એક મોટા કલાકરને જોવાની તક મળતી હોઈને અને “મહાભારત'માં મને ઊંડો રસ હોઈને મેં એ તકનો લાભ લીધો. એ પ્રયોગનો ઘણો ભાગ મારે માટે આસ્વાદ્ય, રમણીય અને સ્મરણીય અનુભવ બન્યો. એ પછી મેં એ પ્રસંગે પ્રકાશિત કરેલી પરિચયપુસ્તિકામાં સોનલે આપેલું દ્રૌપદીના પાત્રના પોતાના અર્થઘટન વિશેનું લખાણ વાંચ્યું. અને બાદમાં સુનીલે “હિન્દુસ્તાન ટાઈમ્સ (૧૪મી મે, ૧૯૯૪)માં કરેલી સોનલની દ્રૌપદી'ની નિષ્ણાત-કક્ષાની સર્વાગીણ સમીક્ષા વાંચી. એથી સોનલે પોતે દ્રૌપદીને જે રૂપે-સ્વરૂપે જોઈ-જાણી અને તેને પોતાના સર્જનાત્મક પ્રયોગથી મૂર્તિ અને અભિવ્યકત કરી એનું તાત્પર્ય અને મર્મ મને સ્પષ્ટ થયાં.
પહેલાં હું સુનીલની સમીક્ષાને આધારે દ્રૌપદી'ના પ્રયોગ વિશેની માહિતી અને મૂલ્યાંકન ટૂંકમાં આપીશ અને પછી દ્રૌપદીના પાત્રના અર્થઘટન વિશે થોડાંક ટીકા-ટીપ્પણ કરીશ.
૨. દ્રિૌપદી'નું આયોજન વ્યાપક અર્થમાં દશ્ય-શ્રાવ્ય પ્રયોગ લેખે કરવામાં આવ્યું છે. જે ઘટનાઓ અને ભાવો રજૂ કર્યા છે, એ નર્તન અને નાટ્ય બંનેના સંયોજન અને સહયગથી કરવાનો પ્રયાસ છે, અને એની નૂતનતાનાં વિવિધ પાસાંમાં આ એક મહત્ત્વનું પાસું છે. રંગમંચનિર્દેશક અમલ અલ્લાના અને તેમના ડિઝાઈનર પતિ નિસાર અલ્લાનાએ દ્રૌપદી'ના નાટ્યના પાસાનું (રંગમંચ પરનાં દશ્ય, પ્રસ્તુત થતી ઘટનાને લગતાં ટીકાટિપ્પણ, ગીત-સંગીત, પ્રકાશ-આયોજન વગેરે), અને સોનલે તેના નર્તનના પાસાનું એવી રીતે સાથે મળીને નિર્માણ કર્યુ કે તે બંને પાસાં પરસ્પર ઉપકારક રહે અને કોઈ એકના પ્રભાવથી બીજું દબાઈ ન જાય. નાટ્ય અને નર્તનનાં વિભિન્ન માધ્યમોનું