________________
૨૪
શોધ-ખોળની પગદંડી પર આ ૨. સંસ્કૃત નાટકને સંસ્કૃત ભાષામાં જ ભજવતાં તેનો અસ્વાદ લઈ શકે તેવા પ્રેક્ષકોની સંખ્યા ઘણી નાની રહેવાની અને એ તે ઉત્તરોત્તર ઘટતી જવાની એમાં કશો શક નથી. નાટ્યરસિકોના વર્ગને માત્ર સંસ્કૃત ભાષા ન જાણતા હોવાના કારણે જ આપણા હજાર-બાર સો વરસ સુધી ફૂલેલાફાલેલા પ્રાચીન દશ્યકાવ્યના વારસાથી વંચિત કેમ રાખી શકાય ? અંગ્રેજી વગેરે પરદેશી ભાષાઓ અને અન્ય ભારતીય ભાષાઓનાં નાટક અનુવાદિત કે રૂપાંતરિત કરી આપણે ત્યાં ભજવાય છે. તો તે પ્રમાણે જો ઉત્તમ સંસ્કૃત નાટકોને વિશાળ વર્ગ સુધી પહોચાડવા માટે તેમને ગુજરાતી ભાષામાં અનુવાદરૂપે આપણે ભજવી શકીએ નહીં તો આપણા લોકો માટે સંસ્કૃત નાટક પુરાવસ્તુના સંગ્રહાલયની માત્ર એક કુતૂહલપોષક ચીજ બની રહેશે. સંસ્કૃતપ્રેમીઓ સંસ્કૃત નાટકને સંસ્કૃતમાં ભજવતા રહે એને માટે તો બધી રીતનું ઉત્તેજન આપવું જ જોઈએ, પણ અનુવાદો ભજવવાની દિશામાં પણ આપણે સઘન પ્રયાસ કરવા જોઈએ. અવારનવાર કોઈ કોઈ સંસ્કૃત નાટકના અનુવાદ ભજવાતા રહ્યા હોવાનું તો આપણે સૌ જાણીએ છીએ. મારું કહેવાનું એમ છે કે સંસ્કૃત નાટકો આપણા અત્યારના પ્રયોજ્ય નાટ્યનિધિનો એક ભાગ બની રહેવો જોઈએ. - ૩. આ વાત સ્વીકારીને આગળ ચાલીએ એટલે એ અંગે આપણી સામે ત્રણ સમસ્યાઓ ખડી થાય છે. ઉત્તમ ગુજરાતી અનુવાદોની, એ અનુવાદોની પ્રયોગક્ષમતાની અને સંસ્કૃત નાટકની (જેમ મૂળ રૂપમાં, તેમ અનુવાદિત રૂપમાં) પ્રયોગશૈલીની. આપણે એક પછી એક આ સમસ્યાઓનો ટૂંકમાં વિચાર કરીએ.
કાલિદાસ, ભવભૂતિ, હર્ષ જેવાનાં સારાં અને થોડાંક તો ઉત્તમ કહી શકીએ તેવા ગુજરાતી અનુવાદો આપણી પાસે છે. એ ધોરણે બીજાં કેટલાંક સારાં નાટકોનાં અનુવાદ કરી શકે એવા સંસ્કૃત અને ગુજરાતીના જાણકારો પણ આપણી પાસે છે. એટલે માત્ર સાહિત્યકૃતિ લેખે વાંચવા હોય તો મૂળ સંસ્કૃતના સમકક્ષ તરીકે લઈ શકીએ એવા ગુજરાતી અનુવાદો પ્રાપ્ત કરવાનું કાર્ય પ્રમાણમાં સુસાધ્ય છે. વધુ કઠિન પ્રશ્ન એ અનુવાદોની પ્રયોગક્ષમતાનો છે.
પણ આપણે જાણીએ છીએ કે રંગમંચની ભાષામાં નિજી લાક્ષણિકતા હોય છે. ઉકિતઓની વાક્યરચના, તેમનો શબ્દવિન્યાસ, બોલાતી ભાષાના આરોહઅવરોહ, મરોડ અને લહેકા ઝીલી શકે તેવી હોય તો જ તે રંગમંચ ઉપર પ્રાણવાન બને. અનુવાદકોએ સંસ્કૃત નાટકોના સાહિત્યકૃતિ લેખે કરેલા અનુવાદની ભાષામાં ભજવવાની દૃષ્ટિએ કેટલુંક પરિવર્તન–મૂળ અર્થને હાનિ ન પહોંચે તે રીતનું શબ્દાંતરણ કે શબ્દગોઠવણીમાં ફેરફાર વગેરે–અનિવાર્ય બને. આ તો થઈ નાટકના ગદ્યાશોની વાત. તેના પદ્યશોનો અનુવાદ પ્રયોગક્ષમતાની દષ્ટિએ કેટલીક આગવી સમસ્યાઓ ઉપસ્થિત