________________
શોધ-ખોળની પગદંડી પર
૨૩
શક્યતાઓનું પ્રકટીકરણ ટકી રહે તે માટે આપણી સંસ્કાર-વિમુખતા કેટલો પ્રાણવાયુ પૂરો પાડશે એવો પ્રશ્નાર્થ ભૂભંગ કરતો આપણી સામે ખડો છે.
સંસ્કૃત નાટક : આજના આપણા સંદર્ભમાં
૧. આપણા નાટ્યરસિક સામાન્ય ગુજરાતી પ્રેક્ષકો, ભલે મોટી સંખ્યામાં નહીં તો ગણનાપાત્ર સંખ્યામાં, સંસ્કૃત નાટકો રસથી જુએ તે માટે શું કરવું જરૂરી છે એ બાબત અહીં થોડાક વિચારો રજૂ કર્યા છે. અર્વાચીન યુગમાં સંસ્કૃત નાટકો અઢારમી શતાબ્દીના અંતથી શરૂ કરીને આજ સુધી ભારતમાં ભજવાતાં રહ્યાં છે. એ મૂળ સંસ્કૃતમાં હોય; એ સમગ્ર હોય, અથવા તેમનો કોઈ અંશ હોય કે સંક્ષિપ્ત રૂપ હોય; એ અનુવાદિત કે રૂપાંતરિત હોય. ભજવણી અને રંગમંચીય આયોજન પ્રાચીન શૈલીનું, અર્વાચીન-આધુનિક શૈલીનું કે મિશ્ર રૂપનું હોય. સંસ્કૃત નાટકોની અર્વાચીન ભજવણીનું વિવરણ-વિવેચન તથા તેમની વિવિધ મર્યાદા કે ગુણદોષ દર્શાવતું મૂલ્યાંકન પણ વિદ્વાનો અને નાટ્યવિદો તરફથી આપણને મળતું રહ્યું છે.
સંસ્કૃત નાટ્યકલા વિશે, અને ખાસ તો સંસ્કૃત નાટકોની રંગમંચ પરની ભજવણી અને સંસ્કૃત રંગભૂમિને કેન્દ્રમાં રાખીને ઈ.સ. ૧૯૭૪માં હોનોલુલુની હવાઈ યુનિવર્સિટીમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયું હતું. તે વેળા ભાસનું ‘સ્વપ્રવાસવદત્ત' નાટક પણ શાન્તા ગાંધીના દિગ્દર્શન નીચે ભજવાયું હતું. એ સંમેલનમાં રજૂ થયેલા નિબંધો અને ચર્ચાઓનો સાર ‘સંસ્કૃત ડ્રામા ઇન પર્ફોર્મન્સ’ એવા નામે એક પુસ્તકરૂપે ૧૯૮૧માં પ્રકાશિત થયાં છે. કુલ દસ નિબંધો ચાર વિભાગ નીચે અપાયા છે : પ્રાચીન ભારતમાં સંસ્કૃત નાટકની ભજવણી, અર્વાચીન સમયમાં ભજવણી, રસસિદ્ધાંત અને નાટ્ય-પ્રયોગની જળવાયેલી પુરાણી પરંપરા. રાધવન, કપિલા વાત્સ્યાયન, શાન્તા ગાંધી, ક્રિસ્ટોફર બિર્કી, એડ્વિન ગેરો વગેરે જેવા આવા વિષયના નિષ્ણાતોએ લખેલા એ મૂલ્યવાન નિબંધોમાં સંસ્કૃત નાટ્યપ્રયોગના ઘણાં પાસાં ઉપર પ્રકાશ નાખવામાં આપ્યો છે અને તેમની સાથે સંકળાયેલી વિવધ સમસ્યાઓની ઘોતક ચર્ચાવિચારણા કરવામાં આવી છે. વિગતે આપેલી વિષયસૂચિથી તથા કેટલાક નાટ્યપ્રયોગોનાં દૃશ્યોની તસ્વીરોથી પુસ્તકની મૂલ્યવત્તામાં વધારો થયો છે. એ પુસ્તકમાંનો, અર્વાચીન સમયમાં સંસ્કૃત નાટકોની ભજવણીને લગતા વિભાગોમાંનો રિચમન્ડનો નિબંધ ‘સજેશ્વન્ઝ ફોર ડાયરેક્ટર્સ આવ સંસ્કૃત પ્લેઝ' તથા વિભાગનું પ્રસ્તાવિક—એ બંનેથી પ્રેરાઈને હું આપણા આજના સંદર્ભમાં સંસ્કૃત નાટક વિશે થોડુંક કહીશ.