________________
શોધ-ખોળની પગદંડી પર
પ્રાસ્તાવિક
(૩) દુહાસાહિત્ય
દોહા-સાહિત્યની પ્રાચીન પરંપરા
૧૪૧
દુહાને કેવળ ચારણીસાહિત્ય કે ‘કાઠિયાવાડી’ રાજસ્થાની લોકસાહિત્ય સાથે, અથવા તો કબીર અને તુલસી જેવાની સંતકવિતા સાથે જ સંકાળાયેલો માની લઈએ તો પણ તેનું મૂલ્ય જેવું તેવું નથી. પણ હકીકતમાં તો એનું મહત્ત્વ એ કરતાં અનેકગણું વધારે છે. દુહાછંદમાં નિબદ્ધ સાહિત્યનો સ્થળકાળમાં વ્યાપ અને તેનું પ્રમાણ ઘણાં જ વિપુલ છે. આશરે છઠ્ઠી શતાબ્દીથી શરૂ થઈને આજ સુધી—એટલે કે તેરસો-ચૌદસો વરસથી દુહામાં રચનાઓ થતી રહે છે. ગુજરાત, રાજસ્થાન, સિંધ, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યભારત, બંગાળ, બિહાર, ઉડીસા—એમ સમગ્ર ઉત્તર ભારતનું દુહાસાહિત્યમાં યોગદાન છે અને સાહિત્યના વિવિધ પ્રકારો અને પ્રયોજનો માટે દુહો વપરાયો છે. આથી તેના સ્વરૂપમાં પણ અનેક પલટા અને પરિવર્તન આવેલાં છે.
સંસ્કૃતનો લાક્ષણિક છંદ અનુષ્ટુભ, પ્રાકૃતનો લાક્ષણિક છંદ ગાથા, અને તે જ પ્રમાણે અપભ્રંશનો લાક્ષણિક છંદ દોહા (એટલે કે દુહો). છઠ્ઠી શતાબ્દી લગભગ શરૂ થયેલા અપભ્રંશ સાહિત્યના, પ્રારંભના અતિશય મહત્ત્વના આશરે ત્રણ સો વરસના ગાળાની કોઈ પણ કૃતિ જળવાઈ નથી રહી એ એક મોટું દુર્ભાગ્ય છે.છતાં પણ તે સાહિત્યના પ્રારંભથી જ તેના કેટલાક વિશિષ્ટ પ્રકારો માટે દોહાછંદ ચાલુ વપરાતો રહ્યો હોવાના પુરાવા છે. અને અપભ્રંશોત્તર કાળમાં તો કથાઓ, લઘુ રચનાઓ અને મુક્તકો માટે મુખ્યપણે અને અન્યત્ર ગૌણપણે દોહાનો ઘણા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયો છે.
સંસ્કૃતના કાવ્યશાસ્ત્ર કે અલંકારશાસ્ત્રના ઘણાખરા ગ્રંથોમાં જ્યાં જયાં અપભ્રંશનું ઉદાહરણ આપવાનો પ્રસંગ આવ્યો છે ત્યાં તે ઉદાહરણ ઘણુંખરું દોહાછંદમાં જ આપેલું હોય છે અને વિવિધ ભાષાઓ (સંસ્કૃત, પ્રાકૃતો, અપભ્રંશ વગેરે) વાપરવાના કવિના કૌશલની વાત કરતાં સંસ્કૃત દોહાના પણ ઉદાહરણ આપેલાં છે. આથી સ્વયંભૂદેવ અને હેમચંદ્ર જેવા છંદશાસ્ત્રીઓએ દોહા સંસ્કૃત ભાષામાં પણ રચાતા હોવાનું દષ્ટાંત સાથે નોંધ્યું છે. હેમચંદ્રે નોંધેલો સંસ્કૃત દુહો આ પ્રમાણે છે :
મમ તાવન્ મતમેદેિહ, કિમપિ યદસ્તિ તદસ્તુ । રમણીભ્યો રમણીયત૨, અન્યત્ કિમપિ ન વસ્તુ I