________________
શોધ-ખોળની પગદંડી પર
૯૮
સ્વરૂપનો નિર્દેશ કરું. પાઠભેદો અને પાઠપરિવર્તનોનાં કારણોમાં (૧) મૌખિક પરંપરામાં નિરક્ષર વર્ગમાં પ્રચલન. (૨) ગેય સ્વરૂપમાં શબ્દોની વધઘટ, હેરફેર અને બદલવાનો પૂરતો અવકાશ. (૩) શબ્દ કરતાં અર્થ અને ભાવનું જ મહત્ત્વ. (૪) સમાન રચનાઓનો એકબીજા પર પ્રભાવ. (૫) લિખિત પરંપરામાં લહિયાનું પ્રાથમિક કક્ષાનું અક્ષરજ્ઞાન. (૬) જોડણીની પ્રવાહિતા. (૭) મૌખિક પરંપરાનો લિખિત પરંપરા પર પ્રભાવ. (૮) પ્રાદેશિક ભાષા કે બોલીઓનો પ્રભાવ – એટલાં મુખ્યત્વે ગણાવી શકાય. પાઠસ્વરૂપમાં (૧) બે કે વધુ રચનાઓની પંક્તિઓની સેળભેળ, (૨) પંક્તિઓનાં, શબ્દોના વધારા, ઘટાડા અને ફેરફારો, (૩) ઉચ્ચાર–જોડણીના ફેરફારો વગેરે ગણાવી શકાય.
અમુક રચના મૂળે નરસિંહ, મીરાં વગેરેની ખરી કે નહીં, તે રચનાનું મૂળ કે જૂનું/સાચું સ્વરૂપ (પાઠની દૃષ્ટિએ) કયું એ પ્રશ્નને અડક્યા વિના, એ રચના જે જે રૂપમાં અત્યારે મળે છે (લિખિત કે મૌખિક પરંપરામાં), તેના પાઠભેદો અને પાઠપરંપરાઓમાંથી અમુક વધુ સારા છે એવો ઊહાપોહ કરી શકાય. ‘સારા' એટલે અર્થસંગતિની દૃષ્ટિએ, સંદર્ભસંગતિની દૃષ્ટિએ, ઢાળ-લય-છંદની દૃષ્ટિએ, પરંપરાગત પદાવલિની દૃષ્ટિએ, એ રચના જે કવિને નામે મળે છે એની તે હોય કે ન હોય; એમાં જે પાઠ વધુ સારો હોવાનું ગણીએ તે મૂળ કવિનો હોય કે ફેરફાર કરનારનો હોય—એ બાબત સાથે કશી નિસબત રાખ્યા વિના ઉપલબ્ધ સામગ્રીને આધારે કેટલાંક પાઠાંતર સારાં, કેટલાંક નબળાં એવો નિર્ણય કરી શકાય. તેથી રચનાની ગુણવત્તા વધે. આવું આખી રચના પરત્વે નહીં, પણ તેની અમુક પંક્તિ કે પંક્તિઓ પરત્વે ઠરાવી શકાય તોયે લાભ છે. આમાં સાહિત્યની ગુણવત્તાનો આપણો અર્વાચીન-આધુનિક ખ્યાલ વચ્ચે ન આવે તેની તકેદારી રાખવી પડે. ઐતિહાસિક દૃષ્ટિ જ પ્રસ્તુત ગણાય.
(૨)
આટલી ભૂમિકા નરસિંહ મહેતાને નામે પ્રચલિત એક જાણીતા પદના પાઠની વિચારણા કરવાના સંદર્ભે મેં બાંધી છે. એ પદ છે ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને’ એ શબ્દોથી શરૂ થતું પદ. ફાંસ્વાઝ માલિઝોંએ સંપાદિત-અનુવાદિત કરેલ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંના પુસ્તકમાં દેસાઈને આધારે તેનો પાઠ આપ્યો છે અને અન્ય સંપાદનો સંગ્રહોમાંથી તથા નડિયાદના સંગ્રહની ઈ.સ.૧૮૫૫ની એક હસ્તપ્રત પાઠનો આધાર હોવાનું જણાય છે. પાઠપરંપરા પાઠાધાર એ સગવડિયો પ્રયોગ જ ગણવો, કેમ કે અનેક રીતની ભેળસેળ સહજપણે થયેલી હોય. સ્પષ્ટપણે અલગ પાડી શકાય તેવી પરંપરા ક્વચિત જ તારવી શકાય.
મારી પાસેની એક જૂની હસ્તપ્રતમાં આ પદનો પાઠ મળે છે. એમાં (૧) કાલિદાસકૃત પ્રહ્લાદાખ્યાન, (૨) લવકુશનું આખ્યાન, (૩) પ્રેમાનંદકૃત ‘ઓખા