________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
તે સાંભળી પ્રભુએ કરૂણા કટાક્ષ નાંખ્યો - “અંબાલાલ! અમને નોકર રાખતાં આવડે છે.” એ શબ્દો શ્રવણ કરી પૂજ્ય અંબાલાલભાઈ સમજી ગયા, ચેતી ગયા ને આજ્ઞાધીન થઈ - ફળિયું જાતે જ સાફ કર્યું.
પ્રથમવાર ૬ દિવસની સ્થિરતા પરમકૃપાળુદેવ ભગવાનની ખંભાતમાં થઈ. કારતક સુદ ૨ના ખંભાતથી વિહાર કરી મુંબઈ પધાર્યા. અંબાલાલભાઈ આણંદ મૂકવા સાથે ગયા.
મુંબઈ
| વિ.સં. ૧૯૪૭ અંબાલાલભાઈ વ્યાપાર પ્રસંગે રતલામ જવાના હતા, ત્યાંથી વળતા મુંબઈ શ્રી પ્રભુના સત્સંગ અર્થે જવા ભાવના પ્રબળ હતી તેથી પ્રભુને પત્ર લખી આજ્ઞા મંગાવી. તેના જવાબમાં કૃપાળુદેવ સમ્મતિ દર્શાવતો પત્ર નીચે મુજબ લખે છે.
“તમારૂં કુશળ પત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છો છો તે ઇચ્છામાં મારી સમ્મતિ છે.” આ પત્ર વારંવાર મનન કરવા પ્રેરણા કરી છે. આગળ રેવાશંકરભાઈ અને ખીમજીથી પરમાર્થ વિષય ચર્ચિત કરવામાં ૮ પ્રશ્નોના નિર્ણય વિચારવા જણાવે છે. ભાગીદારને તેમની નિર્મોહી દશા - નિઃસ્પૃહદશાનું ઓળખાણ થાય તેમ આત્મહિતનો લાભ લેવા પ્રેરે છે. સાથે જણાવે છે – “ભાઈ ત્રિભોવનદાસની અત્ર આવવાની ઇચ્છા રહે છે; તો તે ઇચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સમ્મતિ છે. ”
- વ. ૨૩૬ રાળજ
વિ. સં. ૧૯૪૭ કૃપાળુદેવ ખંભાત પધાર્યા પછી જ્યારે જ્યારે નિવૃત્તિ લેવા માટે નીકળતા ત્યારે પૂજ્ય અંબાલાલભાઈને એકાંત સ્થળની તપાસ કરવા જણાવતા હતા. તે મુજબ ૧૯૪૭માં પર્યુષણ પર્વ માટે યોગ્ય સ્થળની તજવીજ કરવા જણાવે છે કે – “તમારા ગામથી (ખંભાતથી) પાંચ-સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે ?... તેવું સ્થળ જો ધ્યાનમાં હોય તો લખશો. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિરહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતા હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારો જે કાંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ.”
- વ. ૨૬૧
30