________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય શ્રી જૂઠાભાઈ અને પૂ. શ્રી અંબાલાલભાઈનો મેળાપ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ સ્થાનકવાસી કુળમાં જન્મ પામ્યા હતા, પણ જન્મથી અધ્યાત્મ જીવનના શોધક હતા તેથી મતભેદથી પર રહ્યા હતા. ભવથી નિર્વેદ પામેલા, તત્ત્વના અભિલાષી હતા. તેમની દૃષ્ટિ સત્યને ઝંખતી હતી. તેવો સમય પાકતાં એ તક સાંપડી ગઈ. એકવેળા પૂજય શ્રી અંબાલાલભાઈ સં. ૧૯૪૬ના મહામાસમાં તેમના મિત્રછગનલાલભાઈના ઘેર લગ્ન પ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં પૂજય શ્રી જૂઠાભાઈને મળવાની આકાંક્ષા રહેતી હોવાથી જૂઠાભાઈને ઘેર છીપાપોળના મકાને ગયા અને લગ્નમાં આવવા સંબંધી પૂછયું. જૂઠાભાઈએ ઉદાસીનમણે કહ્યું, “એવો હું ક્યાં પ્રતિબંધ કરૂં?” જૂઠાભાઈની તબીયત તે વખતે નરમ રહ્યા કરતી હતી છતાં તેમનામાં વિનયગુણ તથા સરળતા અભુત હતાં, તેથી પૂજય અંબાલાલભાઈનું ચિત્ત આકર્ષાયું. થોડી વાતચીત થયા પછી સાંજે ફરી મળવાની રજા લઈને ગયા. હજુ યુવાવય છતાં લગ્ન જેવા પ્રકારમાં ચિત્ત ચોંટ્યું નહીં ને જૂઠાભાઈ તરફ મન આતુર રહ્યું એટલે છગનભાઈને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી વ્હેલા વ્હેલા નવકાર મંત્રનું સ્મરણ કરતાં મનમેળાપિ શ્રી જૂઠાભાઈ સમીપે આવી પહોંચ્યા. તેમણે પ્રીતિપૂર્વક બોલાવ્યા ને જૂઠાભાઈના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા કે, ‘તમારી સાથે મારો પૂર્વનો સંબંધ હોવો જોઈએ એમ ભાસે છે.’ પરમકૃપાળુદેવના પરિચયથી જૂઠાભાઈના અંતરનો ઘણો ઉઘાડ-પ્રકાશ થયેલ હતો તેથી ગુપ્ત વાતો જાણી શકતા હતા. તેમણે પૂજય અંબાલાલભાઈની તૃષાતુરતા જોઈ લીધી ને વચનામૃતનું રસપાન કરાવ્યું. પરમકૃપાળુદેવના મહિમાની, જ્ઞાનની વાતો કરીને ઓળખાણ આપી, પ્રભુના અપૂર્વ પત્રો વંચાવ્યા. તેમાંના કેટલાક ઉતારા કરવા આપ્યા. વ.૨૧માંથી સોનેરી સૂત્રો કંપાસના આકારમાં ગોઠવ્યા હતા એવો (ગુટકો) પુસ્તક આપ્યું. આવો અદ્ભુત - અક્ષય ખજાનો મારા નાથનો જૂઠાભાઈ તરફથી ભેટ મલ્યો એટલે તો પૂ. અંબાલાલભાઈના હૃદયમાં અપૂર્વ પ્રેમ ઊર્મિની ભરતી આવી. મોક્ષમાર્ગની સાધનાનો અણસાર મળી ગયો. ‘સ'નું સિંચન થયું. આ રીતે જૂઠાભાઈ દ્વારા પ્રથમ ઉપકાર થયો. બંનેની ધર્મ-પ્રીતિ અતૂટ બંધાણી. પરમાત્માના યોગનો જુગ જૂનો સંકેત મળી ગયો. | શ્રી જૂઠાભાઈના પરિચય બાદ પૂ. અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને મુંબઈ પત્રવ્યવહાર કરે છે અને પરમકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈની પત્ર-તૃષા જાણી સંતોષ દર્શાવે છે તે પ્રથમ પત્ર નીચે મુજબ છે.
મુંબઈ, ફાગણ સુદ-૮, ૧૯૪૬. સુજ્ઞ ભાઈશ્રી,
“તમારૂં પત્ર અને પતું બંને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ..... ત્રિભોવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઇચ્છો છો. તે જો સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મ જિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે.”
- વ. ૧૦૬