________________
સત્સંગ-સંજીવની
અંબાલાલભાઇએ મને જણાવ્યું હતું.
ગામડ
ત્યાર બાદ પોષ માસમાં અથવા માહ માસમાં મુનિશ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાતમાં પધાર્યા હતા ત્યારે ઉપાશ્રયમાં પધાર્યા હતા. મુનિ શ્રી દેવકરણજી સ્વામી વ્યાખ્યાન વાંચતા હતા જેથી ઘણા જ લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. જ્યારે મુનિશ્રી ખંભાતથી વિહાર કરવાના હતા ત્યારે ગવારા દરવાજા બહાર કણબીની ધર્મશાળામાં એકાદ-બે દિવસને માટે ઉતારો કર્યો હતો. ત્યાં મુનિશ્રી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે ઘણા જ લોકો સાંભળવા આવતા હતા. તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંધી ઘણો જ બોધ કર્યો હતો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે સંબંધમાં વિસ્તારથી વર્ણન કરેલું. તે વખતે ગટોરચંદ મોતીચંદે પરમકૃપાળુદેવ પ્રત્યે જે જે આક્ષેપો આરોપણ કર્યા હતા અને નિંદા કરી હતી તે સ્મૃતિમાં આવી જવાથી ઘણું જ રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો આપણી તો ઘણી જ ભૂલ થઈ છે તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો હવે તેથી કેવા પ્રકારે છૂટી શકાય ? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં જવાનું રાખશો. આ હકીકતમાં કેટલીક હકીકત સાંભળવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીકત જાણવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે. ત્યાર પછી ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં હમેશા આવતા હતા, પરંતુ તેઓના બૈરાઓ વગેરે કલેશ કરતા હતા જેથી તેઓશ્રી ગુપ્તપણે આવતા.
ત્યાર પછી ફરી સમાગમ પરમકૃપાળુદેવનો કાવિઠા મુકામે થયો હતો. તે સમયે ખંભાતથી તથા બીજા જુદા જુદા સ્થળેથી આશરે પચાસ ભાઇઓ પધાર્યા હતા તથા તે સમયે મારી સ્મૃતિ પ્રમાણે કાવિઠા મુકામે પરમકૃપાળુદેવની સ્થિતિ આશરે દશ દિવસની થઇ હતી. પરમકૃપાળુદેવ કાવિઠા મુકામે પધાર્યાના સમાચાર મળવાથી અમો તથા ખંભાતથી બીજા ઘણા ભાઇઓ તે તરફ જવાને તૈયાર થયા અને ગાડામાં બેસીને ગયા હતા. એક રાત પેટલાદ મુકામે રહ્યા હતા. ત્યાંથી સવારે બીજા ગાડામાં બેસી કાવિઠા મુકામે ગયા હતા. ત્યાં હું આઠેક દિવસ રોકાયો હતો. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયમાં ચોમાસું હતું. બોરસદથી હમેશા સાહેબજીના સમાગમમાં ઘણા જ ભાઇઓ આવતા હતા. ત્યાં શેઠ ઝવેરચંદભાઇના મકાનમાં ઉતારો હતો તથા ત્યાં રસોડું રાખવામાં આવ્યું હતું. ત્યાં સર્વેને એક જ વખત જમવાનો રૂલ હતો.
405-092115
એક વખતે શ્રી બોરસદવાળા કેટલાક ભાઇઓ પ્રશ્નો પૂછવાનું ધા૨ીને સાહેબજી પાસે આવ્યા હતા. તેનું સમાધાન તેઓના વગર પૂછયે સાહેબજીએ કર્યું હતું અને સાહેબજીએ તેઓને જણાવ્યું હતું કે તમોએ અમુક વિષય પૂછવા ધારેલ છે તેનું સમાધાન આ પ્રમાણે છે. એમ દરેકના સામી દૃષ્ટિ કરી જુદા જુદા પ્રશ્નોનું જુદા જુદા પ્રકારે સમાધાન કર્યું હતું. શું શું પ્રશ્નો હતા અને તેનું સમાધાન કેવા પ્રકારે થયું હતું તે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી.
એક દિવસને વિષે સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે અમોને તો સર્વે મુમુક્ષુભાઇઓના મંડળ સાથે બેસીને જમવાની ઇચ્છા રહ્યા કરે છે, પરંતુ અમારાથી સાથે બેસીને જમવાનું બની શકે નહીં એમ જણાવ્યું હતું, અને તે સંબંધી માર્મિક હેતુઓ પણ સાહેબજીએ જણાવ્યા હતા. (સર્વે ભાઇઓને જમવા માટે એક રસોડા માંહે રસોઇ થતી હતી અને સાહેબજીને માટે અલાયદા સ્થાને અલાયદી રસોઇ બનાવવામાં આવતી હતી.)
બપોરે જમીને હમેશાં સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પધારતા હતા. કાવિઠામાં એક હરિજન બીજા રિજનને ગુરૂ તરીકે માનતો હતો અને તે હરિજન સઘળા હરિજનોને કંઠીઓ બાંધતો હતો અને દરેકની પાસેથી
૧૪૭