________________
ROSER સત્સંગ-સંજીવની {SERR
સહન નહીં થઇ શકવાથી તે લોકો ત્યાંથી સહજ સહજ પાછા ખસતા ગયા અને થોડે દૂર ગયા બાદ એકદમ ઊભા થઇ ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ કેટલાક વખત સુધી ઉપદેશ ચાલ્યો હતો. ત્યાર બાદ ઉપદેશ દેતાં મૌન થયા હતા. ત્યાર બાદ સાહેબજી ત્યાંથી પધારી ગયા હતા અને સર્વે લોકો પોતપોતાના મુકામે ચાલતા થયા હતા. અમો ત્રણે પણ તેઓની સાથમાં ચાલતા થયા હતા. આ
રસ્તામાં ચાલતાં મેં સબુરભાઇને તથા અમારા બૈરાઓને પૂછયું કે કેમ ? કેવો આનંદ વરતાય છે ? ત્યારે સબુરભાઇએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી ? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઇ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ ? તેને માટે પ્રકાર તો બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તો વાપરવાથી અનુભવ થઇ શકે, વાણી દ્વારાએ તેનો પ્રકાર બતાવી શકાતો નથી, તેમ આ પુરૂષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યાર બાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઇ જશે. જુઓ પેલા લોકો ભગવાનની પાસે આવ્યા, પણ ઓળખાણ થઇ નહીં, ઊલટાની નિંદા કરીને ભારેકર્મી થઇને ચાલ્યા ગયા. એ તો જેઓને વૈકુંઠે જવાની ઇચ્છા થઇ હોય તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. - વગેરે સાહેબજીની ઘણી જ સ્તુતિ કરતા હતા. ત્યાર પછી મેં કીધું કે તે લોકોમાં શા ગટોરચંદ મોતીચંદ હતા, તેઓએ સાહેબજીની ઘણી જ નિંદા કરી છે અને ખોટા આક્ષેપો આરોપણ કરતા હતા, જેથી તેમણે ઘણું જ માઠું કર્મ ઉપાર્જન કર્યું હશે –વગેરે વાતચીત કરતા હતા. રસ્તામાં ચાલતાં એક વખતે બૈરાએ જણાવ્યું કે હવે મને તદન આરામ થઈ ગયો હોય તેમ જણાય છે, અને બિલકુલ થાક લાગ્યો નથી. કદાચ આ કરતાં પણ વધારે ચાલવાનું હોય તો પણ ચાલી શકાય તેવી શક્તિ છે, માટે બેસવું નથી. એમ કહી બેઠા નહીં અને મુકામે પહોંચી ગયા હતા અને ત્યાર પછીથી કાંઇ પણ વ્યાધિ યા દરદ રહ્યું નહોતું.
સાહેબજીના મુખારવિંદ માંહેથી જ્યારે ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સમયે ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે કેટલાક ભાઇઓ ઉતારો કરતા હતા. ત્યાર બાદ ભાઇ શ્રી અંબાલાલભાઇ સઘળાઓના ઉતારા પોતાની પાસે એકત્ર કરી લેતા હતા. ત્યાર બાદ તે સઘળા ઉતારા વાંચી જતા અને લક્ષગત કરતા અને કોઇ ઉતારામાં કોઇ બાબત લખવામાં આવી હોય અને કોઇ ઉતારામાં કોઈ બાબત લખવા રહી ગયેલ હોય તે સઘળું લક્ષમાં લઇ ત્યાર બાદ અનુક્રમ ગોઠવણીથી સુધારો કરી ફરીથી ધવલપત્ર પર ઉતારો કરતા હતા. ત્યાર બાદ સાહેબજી
જ્યારે બીજા સ્થાને પધાર્યા હોય તે સમયમાં બંગલી પર સાહેબજીની બેઠકની ગાદી પર ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. ત્યાર બાદ સાહેબજી જ્યારે તે સ્થાને પધારે ત્યારે તે ઉતારો દષ્ટિગોચર કરી લેતા. કદાચ ઉતારો થવામાં કોઇ સ્થાને કોઇ પણ પ્રકારની ભૂલ થયેલ જણાય તે સ્થળે સાહેબજી પોતે સ્વહસ્તવડે સુધારો કરતા હતા. ત્યાર બાદ તે ઉતારો તે સ્થાને મૂકી દેતા ત્યારબાદ ફરીથી જ્યારે સાહેબજી બીજા સ્થાને પધારે તે સમયમાં તે ઉતારો ભાઈશ્રી અંબાલાલભાઇ લઇ આવતા હતા. તે પ્રમાણે હમેશા ઉતારો કરતા હતા અને તેનો સંગ્રહ કરી ગ્રંથરૂપે પોતાના હાથે ઉતારો કરતા હતા. જે હાલમાં પણ થોડા વખત પર તેઓશ્રીના મુકામે ગયેલ ત્યારે હાથઉતારાના કેટલાક ગ્રંથો જોવામાં આવ્યા હતા. ભાઇ શ્રી અંબાલાલભાઇનો એવો તો તીક્ષ્ણ ઉપયોગ વર્તતો હતો કે ઉતારો કરવામાં બનતા સુધી કાંઇ પણ ભૂલ થતી નહોતી - તે વાત કોઇ એક સમયને વિષે સાહેબજીએ જણાવી હતી. આ હકીકતમાં કેટલીક હકીકત મારી નજરે જોવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીકત ભાઇશ્રી અંબાલાલભાઇના મુખથી સાંભળવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે.
૧૪પ