________________
તૃતીય આવૃતિ પ્રસંગે
નવી આવૃત્તિ નિમિત્તે અનુવાદને પુનઃ અવલોકવાનું પ્રાપ્ત થયું. સદ્ભાગ્યે એક સ્નેહી યુવા મિત્ર ડો. કન્ટેનું મૂળ પુસ્તક મેળવી આપ્યું, જે દ્વિતીય આવૃત્તિ વેળાએ સંયોગવશ મળ્યું ન હતું. આથી સમસ્ત અનુવાદનું સિંહાવલોકન કરવાની તક મળી - તજ્જ્ઞ મિત્રોનાં સૂચન પણ લક્ષમાં લીધાં પરિણામ સ્વરૂપ અનુવાદમાં યથોચિત પરિવર્તન કરી સંસ્કારવાનો પ્રયાસ કર્યો છે.
અહીં એકાદ-બે સ્પષ્ટતાઓ અસ્થાને નહિ ગણાય - (૧) “લેખક' શબ્દનો વ્યુત્પત્યર્થ “લહિયો' થાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં તેનો પ્રયોગ ઘણું કરીને “ગ્રંથકર્તા અર્થમાં થાય છે. આથી અહીં સર્વત્ર તે શબ્દ આ લોક-પ્રચલિત અર્થમાંજ અભિપ્રેત છે. (૨) Recension' શબ્દ ગ્રંથની “વાચના માટે વપરાય છે વળી 'Critical Recension' ને અધિકૃત વાચના” અથવા “સમીક્ષાત્મક સંસ્કરણ” કહેવામાં આવે છે. આથી પાઠ-સમીક્ષામાં હસ્તપ્રત-સામગ્રી એકત્રિત કરી વંશવૃક્ષરૂપે તેની ગોઠવણી (Heuristics) અનુસંધાન કર્યા પછી અધિકૃત વાચના તૈયાર કરવા માટે પ્રયોજાતી પાઠ-ચયન (વિભિન્ન પાઠોમાંથી યુક્તતમ પાઠની પસંદગી) પ્રક્રિયા (Recensio) માટે “સંસ્કરણ' શબ્દ પ્રયોજ્યો છે. અને અંતે હસ્તપ્રતો દ્વારા પ્રાપ્ત થતો પાઠ અશુદ્ધ જ છે. એવો નિશ્ચય થતાં તેના શુદ્ધિકરણની પ્રક્રિયા માટે સંશોધન' (Emendatio) શબ્દ ઉપયુક્ત છે.
વલ્લભવિદ્યાનગર
- કે.એચ. ત્રિવેદી