________________
શ્રમણોને શા માટે મારો છો ? ત્યારે રાજાએ કહ્યું કે, હું શ્રાવક છું કે નથી, અને તમે સાધુ છો કે ચોર છો, કે ગુપ્તચરછો તે કેમ જાણી શકાય !?
તેઓએ કહ્યું કે, હે રાજન્ ! અમે સર્વે સાધુ જ છીએ. ચોર પણ નથી અને ગુપ્તચર પણ નથી જ. ત્યારે અવસર જાણીને રાજાએ કહ્યું કે, ‘‘જો એમ જ છે તો તમે બધા સાધુ જ છો તો અવ્યક્તવાદ માનીને પરસ્પર વંદન વ્યવહાર કેમ કરતા નથી ?’’ ત્યારે તે સાધુઓ લજ્જિત થયા અને નિઃશંકિત થઇને સન્માર્ગે વળ્યા.
રાજાએ કહ્યું કે, તમને પ્રતિબોધ ક૨વા માટે જ મેં આવું કામ કર્યું હતું. આમ આ ત્રીજા નિહ્નવોને સમજાવ્યા. અવ્યક્તવાદનું પ્રવર્તન આષાઢાચાર્યે કર્યું નથી. પરંતુ તે વાદના પ્રવર્તક તેમના શિષ્યો હતા. તેમાં અષાઢાચાર્યનું દેવરૂપ નિમિત્તમાત્ર હતું.
૪. અશ્વમિત્ર: સામુચ્છેદિક નિહવઃ
ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પામ્યા બાદ ૨૨૦ વર્ષે મિથિલાપુરીમા સમુચ્છેદવાદની દૃષ્ટિપ્રગટ થઇ. તેના પ્રવર્તક આચાર્ય અશ્વમિત્ર હતા.
મિથિલાનગરીમાં આચાર્ય મહાગિરિ પધાર્યા. તેમના શિષ્યનું નામ કૌડિન્ય અને પ્રશિષ્યનું નામ અશ્વમિત્ર હતું. એક વખત અશ્વમિત્ર વિદ્યાનુપ્રવાદ નામના પૂર્વમાં આવેલા નૈપુણિક વસ્તુનો અભ્યાસ કરતા હતા. તેમાં એવું એક સૂત્ર આવેલું કે, પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા સર્વે પણ ના૨ક જીવો બીજા સમયે વિચ્છિન્ન થઇ જાય છે. આ પ્રમાણે દ્વિતીય-તૃતીય આદિ સમયોમાં પણ જાણવું. આ પર્યાયાર્થિકનયની વાત સાંભળીને અશ્વમિત્રના મનમાં શંકા થઇ કે, જો પ્રતિસમયે વસ્તુ નાશ જ પામે છે તો કરેલા સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળ કોણ ભોગવશે !?
ગુરુજીએ કહ્યું કે, હે વત્સ ! ઋજુસૂત્રનયની અપેક્ષાએ આ પ્રમાણે ક્ષણક્ષયવાદનું વર્ણન છે. પરંતુ સર્વ નયોની અપેક્ષાએ આ વર્ણન નથી. વીતરાગ પરમાત્માનું વચન સર્વનયમય છે. તેથી તું શંકા કરીશ નહીં. એક પર્યાયમાત્રના વિનાશથી વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી. દરેક વસ્તુ અનંતધર્માત્મક છે.
જે સમયે તે ના૨કાદિ વસ્તુ પ્રથમસમયાવચ્છિન્નનારકત્વથી ઉચ્છેદ પામે છે. તે જ સમયે દ્વિતીય સમયાવચ્છિન્નનારકત્વરૂપે ઉત્પન્ન થાય છે. જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. તેથી સર્વથા કોઇપણ વસ્તુનો ઉચ્છેદ થતો નથી.
સંખ્યાતા અક્ષરોથી પદ બને છે. સંખ્યાતા પદોથી વાક્ય બને છે. તેના અર્થ ગ્રહણથી વાક્યાર્થગ્રહણ થાય છે. આ બધું થતાં થતાં અસંખ્યાત સમયો વીતી જાય છે. તે સઘળું એકસમયમાત્રમાં કેમ બને ? કારણ કે, ઉત્પન્ન થયા પછી તુરંત જ જો વસુ નાશ પામે તો તેનો અર્થગ્રહણ, તથા પરિણામ અને તેનાથી વિશિષ્ટ બોધ કેમ થાય?