________________
એક પ્રદેશવાદ
નિભવવાદ
વિવેચન :- આ ત્રણે ગાથાઓના ભાવાર્થ લગભગ ઉપર સમજાવાઈ જ ગયા છે. તો પણ વિશેષપણે કહેવાય છે કે પૂર્વે કહેલી રીતરસમ પ્રમાણે ગુરુજી દ્વારા સમજાવવા છતાં જ્યારે તે તિષ્યગુપ્ત નામના મુનિ ગુરુજીની કંઈ પણ વાત સ્વીકારતા નથી. અને પોતાના અભિપ્રાયમાં મજબૂત જ રહે છે. અને કંઈ પણ સાચો સિદ્ધાન્ત સ્વીકારતા નથી ત્યારે તે મુનિને સમુદાય બહાર કરાયા. ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ વિહાર કરતા કરતા “આમલકકલ્પા” નામની નગરીમાં આમ્રસાલ નામના ઉદ્યાનમાં રહ્યા.
૫૨
ત્યાં મિત્રશ્રી નામના મહાવીર પ્રભુના શ્રાવક વડે “આ નિર્ભવ છે” એમ સમજીને તેમને પ્રતિબોધ કરવા માટે જ તેમની પાસે જઇને વહોરવા આવવા માટે નિમંત્રણ આપ્યું.
“હે ગુરુજી ! આજે મારે ઘેર અમુક પ્રસંગ છે. તેથી આપશ્રીએ સ્વયં પોતે જ વહોરવા માટે પધારવું” ત્યારબાદ તે શ્રાવક તો ઘરે ગયા. ત્યાર પછી તે શ્રાવકનો ભારપૂર્વક અતિશય આગ્રહ હોવાના કારણે તે તિષ્યગુપ્ત મુનિ તે શ્રાવકને ઘરે વહોરવા માટે ગયા.
તે કાલે તે તિષ્યગુપ્ત મુનિને ઘરમાં પ્રવેશ કરતા જોઈને ઘણો જ આડંબર અને અહોભાવ બતાવવા પૂર્વક “પધારો પધારો સાહેબ પધારો' આ પ્રમાણેનાં માનવાચક શબ્દો બોલવા પૂર્વક ઘણો જ સંભ્રમ (દેખાવ) કરતા એવા તે શ્રાવકવડે તે મુનિની સમક્ષ ખાવાને કલ્પે તેવાં ભોજન અન્ન-પાન દાળ-શાક અને વાપરી શકાય તેવાં વસ્ર-પાત્ર વિગેરે વસ્તુઓના ઢગલા વિસ્તારાયા. ત્યારબાદ તે દરેક વસ્તુઓમાંથી સર્વ પદાર્થોના અન્તિમ એક એક દાણો ગ્રહણ કરીને વહોરાવ્યા. કપડામાંથી પણ એક તાર ખેંચીને ઓઢવા માટે વહોરાવ્યો. આ પ્રમાણે અનાજના એક એક દાણાથી વહોરાવવાની ક્રિયા કરાઇ.
ત્યારે તે તિષ્યગુપ્ત મુનિ બોલ્યા કે હે શ્રાવક ! તારા વડે અમારી આ રીતે શું મશ્કરી કરાય છે ? ત્યારે અવસર જાણીને તે શ્રાવક તિષ્યગુપ્ત મુનિને કહે છે કે હે ગુરુજી! મેં આમાં ખોટું શું કર્યું છે ? તમારો આ સિદ્ધાન્ત જ છે કે “અન્તિમ અવયવમાં જ સંપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે” તો મેં જેનો જેનો એક દાણો વહોરાવ્યો છે તેમાં જ તે સમસ્ત વસ્તુ તમારી પાસે આવી ગઈ. હવે તે આહાર વાપરીને ઉદરપૂર્તિ કરી લો અને સંતોષ માણી લો.
અથવા જો તમને આ વાત સાચી લાગતી ન હોય અને મશ્કરી માત્ર લાગતી હોય તો “તમારૂં બોલેલું બધું મિથ્યા જ થયું ને ! કારણ કે તમારો જ આ સિદ્ધાન્ત છે કે અન્તિમ એક અવયવમાં વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ છે. માટે કાં તો આ અન્તિમ દાણામાત્રના આહારથી તૃપ્તિ કરો. અથવા આ મિથ્યા સિદ્ધાન્તને છોડી દો. આ પ્રમાણે તે મિત્રશ્રી શ્રાવકે સમજાવવાનો પ્રયત્ન માત્ર કર્યો. ॥ ૨૩૪૮-૨૩૪૯-૨૩૫૦ ||