________________
૧૭૫
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
આ કારણથી આકાશની જેમ જ કર્મની સાથે આ જીવનું સર્વપ્રદેશોમાં વ્યાપ્તપણું માનવાથી જીવમાં તે કર્મનું સર્વવ્યાપિપણું સિદ્ધ જ થાય છે. આમ હોતે છતે આ કંચુકનું દાત્ત સાધ્યવિકલ હોવાથી (કાંચળી તેવી ન હોવાથી) અસંબંધ જ પ્રાપ્ત થશે. કારણ કે કર્મ આત્માના સર્વપ્રદેશોમાં સ્પર્શેલું હોય છે. તેવું સાધ્ય કંચુકીના ઉદાહરણમાં નથી એટલે દષ્ટાન્ત ખોટું થશે.
હવે જો બીજો વિકલ્પ ગ્રહણ કરો કે “આ કર્મ જીવના અન્તિમ અન્તિમ પ્રદેશોમાં જ કંચુકની જેમ ઉપર ઉપર જ રહેલું છે તેથી આ કર્મ ઋષ્ટ છે આમ કહેવાય છે.” આમ જો કહો તો એક ભવથી બીજા ભવમાં જતી વેળાએ વિગ્રહ ગતિમાં તે કર્મ સાથે આવશે નહીં. કારણ કે ચામડીના છેડે એટલે કે ઉપર ઉપર જ તે કર્મ રહેલું છે. તેથી ચામડી છોડીને જીવ જાય છે તે માટે ચામડીની ઉપર રહેલા મેલની જેમ તે કર્મને પણ છોડીને જ જીવ પરભવમાં જશે. ચામડી ઉપરના બાહ્યમેલની જેમ તે કર્મ પણ ભવાન્તરમાં અનુગમન પામશે નહીં. આ વાત અત્યન્ત સુવ્યક્ત જ છે. બાળકોમાં પણ જાણીતી છે.
હવે કદાચ તમે એમ કહો કે સારૂ. એમ જ હો. ભવાન્તરમાં જતા જીવની સાથે કર્મની અનુવૃત્તિ હોતી નથી. એમ જ માની લઇએ તો શું દોષ આવશે ? જે એમ જ માનીએ તો કર્મની અનુવૃત્તિ સાથે હોતી નથી આમ જ જો માનીએ તો મૃત્યુ પામે ત્યારે સર્વે પણ જીવોનો વિશેષપણે મોક્ષ જ થાય એટલે કે સંસારનો અભાવ જ થાય. કારણ કે સંસારનું કારણ જે કર્મ હતું તે જ સાથે આવ્યું નહીં માટે. - હવે જો કારણભૂત એવા કર્મ વિના પણ જન્મમરણરૂપ આ સંસાર હોય છે આમ જો સ્વીકારાય તો વ્રત-તપ-બ્રહ્મચર્ય આદિ કષ્ટકારી જે અનુષ્ઠાનો કરાય છે. તે સર્વ જીવોને પણ સંસાર જ રહેશે. કર્મ ન હોવાથી. અને જો આ સંસાર નિષ્કારણ જ છે આમ જ જે માનવામાં આવે તો ભવથી મુક્ત થયેલા સિદ્ધભગવંતોને પણ ફરીથી ક્યારેક સંસાર આવી પણ જાય. આવું બનશે. કારણ કે વિના કારણે પણ કર્મ આવે છે, આમ માન્યું તેથી આમ બનશે. અને જો આમ જ બનતું હોય તો મુક્તિમાં પણ અવિશ્વાસ થવાનો પ્રસંગ આવશે. - સારાંશ કે જે મોક્ષે ગયા પછી પણ આ જીવને ક્યારેક ક્યારેક સંસાર લાગુ પડતો હોય તો મોક્ષે જવાનો કોઈ અર્થ જ રહેશે નહીં તેથી મુક્તિનાં કારણ જે તપ-જપ આદિ છે તેનું સેવન પણ નિષ્ફળતાને જ પામશે. ૨૫૨૨-૨૫૨૩-૨૫૨૪ /
અવતરણ - ચામડીની ઉપર ઉપર જ કર્મ છે. આમ માનવામાં બીજા પણ ઘણા દોષો આવે છે. તે હવે જણાવે છે :