________________
સમ્યત્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
વિવેચન - બૌદ્ધદર્શન સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે - ક્ષણે ક્ષણે વિનાશ પામનારી જ છે. આમ માને છે. “સર્વ ક્ષક્સ” આવા પ્રકારનો તેઓનો સિદ્ધાન્ત છે તેને સમજાવતાં ગ્રન્થકારશ્રી કહે છે કે હે બૌદ્ધ ! સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. ક્ષણે ક્ષણે વિનાશ પામનારી જ છે. અર્થાત્ માત્ર ક્ષણિક જ છે. આ પ્રમાણે તમે માનો છો. તો આત્મા પણ ક્ષણિક જ છે. આવો જ અર્થ થયો. કોઈ પણ આત્મા એક ક્ષણ માત્ર રહીને બીજા ક્ષણે ક્ષણિક હોવાથી નાશ પામી જ જાય છે. જો ખરેખર આમ જ હોય તો કોઈપણ જીવની હિંસા કરવાથી કર્મનો બંધ કોને થશે? કોઈને પણ બંધ થવો ઘટશે નહીં.
સારાંશ કે આ જીવ ક્ષણે ક્ષણે સ્વયં જો વિનાશ જ પામે છે તો હિંસા કરવાથી હિંસક જીવ હિંસ્યજીવનો ઘાતક બનશે નહીં. કારણ કે તે હિંસ્યવસ્તુ ક્ષણિક જ હતી. આપોઆપ વિનાશ જ પામનારી હતી અને તે હિંસ્યવસ્તુ પોતાના સ્વભાવથી જ નાશ પામનાર હતી. તેને કોઈએ હણી જ નથી. તેથી હિંસકને હિંસા કર્યાનો દોષ કેમ લાગશે?
વસ્તુમાં રહેલા ક્ષણિકપણાના સ્વભાવના કારણે જ સર્વે પણ જીવો પ્રતિસમયે મરવાના જ હતા અને મર્યા જ કરે છે. કોઈએ તેને માર્યા નથી. આવો જ અર્થ થશે અને જો આમ જ હોય તો આ જીવે તે ગાયની હિંસા કરી આમ કેમ બોલાશે? કોઈને પણ હિંસાનો દોષ કેમ લાગશે? જે જીવો ક્ષણિક સ્વભાવવાળા હોવાથી ક્ષણે ક્ષણે સ્વયં મરવાના જ હોય છે તેને મારનાર આ પુરુષ છે આમ કેમ બોલાય? મારનારને પણ હિંસાનો દોષવાળો કેમ કહેવાશે? મારનારને હિંસાના દોષથી દોષિત કેમ મનાશે? અર્થાતુ ગમે તેટલી હિંસા કરે તો પણ હિંસકને હિંસક કહેવાશે નહીં અને હિંસકને હિંસાનો દોષ લાગશે નહીં. કારણ કે હિંસ્ય વસ્તુ પોતે જ ક્ષણિક હોવાથી નાશ પામવાની જ હતી. હિંસકે કંઈ કર્યું જ નથી.