________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
તથા કોઈ વ્યક્તિનું શરીર પૂર્વકાલમાં હોય તેનાથી ઉત્તરકાલમાં ધારો કે સ્થૂલ થઈ ગયું. એટલે કે શરીરની વૃદ્ધિ થઈ, ત્યારે શરીર વૃદ્ધિ પામતાં ચેતના વૃદ્ધિ પામી જાય, એમ પણ બનતું નથી. આમ શરીરની હાનિએ ચેતનાની હાનિ અને શરીરની વૃદ્ધિએ ચેતનાની વૃદ્ધિ થતી ન હોવાથી ચેતના એ શરીરધર્મ નથી પણ શરીરથી ભિન્ન તેવા આત્માનો ધર્મ છે માટે આત્મધર્મ છે. ચેતનાનું ઉપાદાનકારણ શરીર નથી પણ આત્મા છે.
પ્રશ્ન - જો ચેતના એ આત્મધર્મ હોય અને શરીરધર્મ ન હોય તો આત્મા તો નિયતપણે લોકાકાશ જેટલા અસંખ્યાતપ્રદેશનો જ છે. તેમાં પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થતી નથી તો પછી ચેતના ધર્મની હાનિ-વૃદ્ધિ કેમ થાય? સર્વે પણ જીવો લોકાકાશ પ્રદેશ પ્રમાણ આત્મપ્રદેશોવાળા જ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. અને ચેતના સર્વેમાં હીનાધિક છે માટે ચેતના એ આત્મધર્મ નથી એમ સમજાય છે.
ઉત્તર - સર્વે પણ જીવો લોકાકાશ પ્રદેશ પ્રમાણ આત્મપ્રદેશવાળા છે, તેમ સર્વે પણ જીવો કેવળજ્ઞાનાત્મક અનંતજ્ઞાન ગુણવાળા જ છે. સમાન જ્ઞાનવાળા જ છે. પણ તે સત્તાથી જાણવું, માત્ર તેના ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જે આવરણ છે, તેથી તે આવરણની હાનિ-વૃદ્ધિના કારણે જ્ઞાનગુણના આવિર્ભાવ અને તિરોભાવમાં હાનિ-વૃદ્ધિ અવશ્ય થાય છે. પણ સત્તાગત જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થતી નથી.
ઉપાદાન કારણની હાનિ-વૃદ્ધિ થાય તો ઉપાદેય કાર્યની અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય. જેમ કે માટી એ ઘટનું ઉપાદાનકારણ છે. માટીની હાનિ-વૃદ્ધિ પ્રમાણે ઘટની હાનિ-વૃદ્ધિ થાય જ છે. થોડી માટી હોય તો નાનો ઘટ બને અને વધુ માટી હોય તો મોટો ઘટ બને. તેમ જીવદ્રવ્યમાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયનો ભવ હોય ત્યારે જ્ઞાનગુણના આવિર્ભાવ-તિરોભાવની અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય જ છે પણ