________________
૩૪૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અનંત છે માટે નિત્ય પણ છે તેમ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે જ. આમ બન્ને સ્વરૂપોને ધ્યાનમાં રાખીને જ વસ્તુનું સ્વરૂપ સમજવું અને સમજાવવું. સ્ત્રી અને પુરુષ જેમ જાતિથી ભિન્ન છે તેમ માનવપણે અભિન્ન પણ અવશ્ય છે જ. આ રીતે આખુંય વિશ્વ અપેક્ષાવાદથી ભરેલું છે. તેને બરાબર સમજીને અપેક્ષાપૂર્વક જ સઘળો વ્યવહર કરવો. જ્યારે જૈનદર્શન વસ્તુના બધાં જ અંશો જાણે છે અને બધાં જ અંશો યથાસ્થાને જોડે છે એટલે દોરાથી પરોવાયેલા બધા જ મણકાની સુંદર એક માળા જેમ બને છે તેમ બધા જ નયોને સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથીને એક સુંદર હાર બનાવે છે જેથી તે હારમાંથી એક પણ રત્ન ખોવાય નહીં અને શરીરની શોભાને વધારે તેમ જૈન દર્શન બધા જ નયોને સ્યાદ્વાદમાં યથાસ્થાને ગોઠવે છે.
અથવા છુટાં છુટાં પુષ્પો હોય તો ઉડી જાય પણ દોરામાં તેને ગૂંથીને સુંદર એક માળા બનાવી હોય તો એક પણ પુષ્પ ઉડે નહીં કે છુટું પડે નહીં તેમ જૈનદર્શન સર્વ નયોને યથાસ્થાને સ્યાદ્વાદરૂપી દોરામાં યથાસ્થાને ગોઠવીને સુંદર વસ્તુસ્વરૂપને સમજાવવામાં આ દર્શન સર્વનયમય થયું છતું સમ્યભાવને પામે છે જેમ સમુદ્રમાંથી નીકળેલી નાની નાની ખાડી તે સમુદ્ર પણ નથી. તેમજ તે અસમુદ્ર પણ નથી તે જ પ્રમાણે એક એક નયની વાત પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી પરંતુ બીજા નયોની અપેક્ષા રાખે તો તે પ્રમાણભૂત બને છે. અન્યથા અપ્રમાણભૂત બને છે. આ રીતે નયો પરસ્પર સાપેક્ષ હોય તો પ્રમાણ અને પરસ્પર નિરપેક્ષ હોય તો અપ્રમાણ થાય છે. ૧૨૧॥
અવતરણ :
મોક્ષપ્રાપ્તિને અનુકૂળ બોધ આ છ સ્થાનો સમજવામાં અને સ્વીકારવામાં જ રહેલો છે. આ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ બોધ અનુક્રમે શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન કહેવાય છે. તે વાત સ્પષ્ટ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે