________________
૩૪૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સમ્યગુપણે જોડાય છે ત્યારે તે રત્નો માળાપણાની શોભાને પણ પામે છે અને તેમાંથી એક પણ રત્ન ખોવાતું નથી.
જ
તે જ રીતે સર્વે પણ દર્શનો જ્યાં સુધી સ્યાદ્વાદથી ગુંથાતાં નથી અને પોતપોતાના એકાન્ત અભિનિવેશવાળાં હોય છે ત્યાં સુધી તે સાચાંયથાર્થ કહેવાતાં નથી. કારણ કે પોતાના અભિપ્રાય પ્રમાણે સાચાં હોવા છતાં પણ અન્ય અપેક્ષાનું તે ખંડન કરતાં હોવાથી બીજા નયની વાતનો ઉચ્છેદ કરનારા બનવાથી તે મિથ્યા છે. તેથી આવી એકાન્તનયની વાત વગોવાય છે, મિથ્યા બને છે.
પરંતુ જ્યારે સ્યાદ્વાદરૂપી દોરાથી તે જ રત્નોને યથાસ્થાને જોડવામાં આવે છે ત્યારે તે નયો પોતપોતાના સ્થાનમાં રહ્યા છતા પોતાની દૃષ્ટિનું જ નિરૂપણ કરે છે પણ પરના સ્થાનનું ખંડન-મંડન કરતા નથી. પરની વાતમાં મૌન રહે છે ત્યારે તે સર્વે પણ દર્શનોનું મન્તવ્ય વૈરાયમાણબુદ્ધિવાળું હોતું નથી અને પરસ્પર વિનાશનું કારણ પણ બનતું નથી. પરંતુ પોતપોતાના સ્થાનમાં રહીને પદાર્થના સ્વરૂપનો સાચો બોધ માત્ર કરાવે છે.
તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથાયેલા નયો રૂપી રત્નો, માળાની જેમ સમ્યગ્દર્શન કહેવાય છે. કારણ કે જેમ અંકુશથી હાથી વશ થાય તેમ સ્યાદ્વાદથી નયોનો પોતપોતાના એકાન્તવાદનો આગ્રહ દૂર થઈ જાય છે અને અન્ય નયની વાતમાં ખંડન-મંડન કરતા નથી મૌન જ રહે છે તેથી તેવા સર્વે પણ નયો વિંડબના પામતા નથી.
સર્વે પણ દર્શનો જુદા જુદા નય ઉપર ચાલે છે પોતપોતાની માન્યતાના એકાન્તઆગ્રહી હોવાથી આવા પ્રકારના અભિનિવેશના કારણે અન્યદર્શનોની માન્યતાનું ખંડન કરવા જાય છે અને તેથી જ વૈરાયમાન પ્રકૃતિવાળા બને છે. તેથી તે એક એક નય ઉપર ચાલનારાં દર્શનો છુટા છુટાં રત્નો તુલ્ય છે અને વૈરાયમાણ સ્વભાવવાળાં છે.