________________
૧૮૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ થઈ જાય એટલે નાગાદિકનું પ્રયોજન ન હોવાથી નાચાદિક ક્રિયાવ્યવહારથી વિરામ પણ પામે છે. તેની જેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું કાર્ય દેખાડી વિરામ પામે છે અથવા પ્રયોજન હોય ત્યાં સુધી રમે છે. આમ સાંખ્યો માને છે.
પરંતુ પ્રકૃતિ તત્ત્વ તો જડપદાર્થ છે અચેતનપદાર્થ છે અને પુરુષતત્ત્વને તમે (સાંખ્યો) કર્તા તરીકે સ્વીકારતા નથી. જો પુરુષ કર્તા ન હોય અને પ્રકૃતિ અચેતન એટલે કે જડ હોય તો મારું કામ થઈ ગયું છે એટલે હવે હું ખસી જાઉં અથવા મારું કામ હજું નથી થયું, એટલે હજું હું વિરામ ન પામું? આમ વિચારો કરવાનું અને આવું ખસી જવાનું કે ન ખસી જવાનું, આમ દૂર થવાનું અને દૂર ન થવાનું કામ જ એવી પ્રકૃતિ કેમ કરી શકે? તેમના મતે પુરુષ એ કર્તા નથી અને પ્રકૃતિ એ જડતત્ત્વ છે તો રમવાનું કે વિરમવાનું કામ જડ એવી પ્રકૃતિથી કેમ થાય?
ખરેખર તો નર્તકીને આવો પાકો અનુભવ છે કે જો હું મારી કલા બરાબર દેખાડીશ અને સારું નૃત્યકાર્ય સારું કરીશ તો લોકો મને દાનાદિક આપશે. ધનનો વરસાદ વરસાવશે. આમ સમજીને નર્તકી નાચ કરે છે અને દાનાદિક મળી જતાં નૃત્યાદિક કાર્યથી વિરામ પણ પામે છે. કારણ કે નાચનારી આ નર્તકી સચેતન છે ચૈતન્યગુણવાળી છે. માટે બધું સમજે છે. માટે નર્તકીમાં સચેતન હોવાથી કર્તા-ભોક્તાપણું વગેરે બધું ઘટી શકે.
પરંતુ પુરુષ અને પ્રકૃતિમાં આ ઘટી શકે નહીં, કારણ કે પુરુષને તો તેઓએ (સાંખ્યોએ) અકર્તા જ માન્યો છે. હવે રહી એક પ્રકૃતિ, જો તે પણ અચેતન જ હોય તો ઘટ-પટની જેમ અચેતન એવી પ્રકૃતિ, નાચવાના અને વિરામ પાળવાના આવા પ્રપંચનો વિલાસ કેમ કરે ? અર્થાત્ ન કરે અને પ્રપંચના વિલાસથી વિરામ પામવાનું કામ પણ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. કારણ કે જડમાં જ્ઞાન સંજ્ઞા નથી.