________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
હે સાંખ્યો ! તમે કહો કે તમારી માનેલી બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય છે ? હવે જો નિત્ય છે આમ કહો તો બુદ્ધિ એટલે પુરુષ જ સિદ્ધ થશે. કારણ કે જ્ઞાનનો, ઈચ્છાનો અને પ્રવૃત્તિનો આશ્રય (આધાર) એક જ દ્રવ્ય છે. અને તે પુરુષ જ છે. અર્થાત્ અત્મા જ છે કારણ કે જ્ઞાનનો આશ્રય અને પ્રવૃત્તિનો આશ્રય ભિન્ન ભિન્ન કલ્પવો તે ઉચિત નથી. કારણ કે જે આત્મદ્રવ્ય જ્ઞાનનો આધાર છે તે જ આત્મદ્રવ્ય વિચાર કરીને યોગ્ય લાગે તો પ્રવૃત્તિ કરે છે અને યોગ્ય ન લાગે તો પ્રવૃત્તિ કરતો નથી. માટે જે જ્ઞાનનો આધાર છે તે જ પ્રવૃત્તિનો પણ આધાર છે. એટલે કે આ આધાર પુરુષ જ છે. જાણનાર વ્યક્તિ જુદી હોય અને પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ જુદી હોય આમ જગતમાં બનતું નથી.
૧૮૦
હવે કદાચ સાંખ્યો આમ કહે કે અમે બુદ્ધિને નિત્ય માનીએ છીએ પણ તે બુદ્ધિ એ પુરુષરૂપ નથી પણ પુરુષને વળગેલી છે. એટલે કે પુરુષને (આત્માને) ઉપાધિરૂપે ચોંટેલી છે પણ બુદ્ધિ એ પુરુષ સ્વરૂપ નથી. આમ જો સાંખ્યો કહે તો બુદ્ધિરૂપ આ ઉપાધિ નિત્ય માની હોવાથી સદાકાળ તે બુદ્ધિરૂપ ઉપાધિ પુરુષને વળગેલી જ રહેશે. એટલે આ પુરુષનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. પુરુષને ઉપાધિ રૂપે વળગેલી આ બુદ્ધિ નિત્ય માત્ર હોવાથી તે બુદ્ધિ ક્યારેય પુરુષથી છુટી પડશે નહીં. એટલે આ પુરુષરૂપ આત્મા બુદ્ધિતત્ત્વ રૂપ ઉપાધિમાંથી ક્યારેય છુટો પડી શકશે નહીં. એટલે પુરુષનો ક્યારેય મોક્ષ થશે નહીં.
હવે જો બુદ્ધિતત્ત્વને અનિત્ય માનશો તો જ્યારે જ્યાં બુદ્ધિતત્ત્વ નાશ પામશે ત્યારે ત્યારે “આ મારું છે, પેલું મારું નથી’’ આવી મોહાધીન વાસના કેમ રહેશે ? જેમ જડ પદાર્થોને આવી વાસના હોતી નથી તેમ આ જીવમાં પણ બુદ્ધિનો નાશ થવાથી મોહાધીન એવી વાસનાનો-મોહના સંસ્કારોનો પણ નાશ જ થશે.