________________
૧૫૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અંકુરામાંથી જે બીજ થયાં તે બીજમાંથી તે અંકુરા થતા નથી. અંકુરા બીજમાંથી જ થાય છે પણ તે બીજ તેની પૂર્વના અન્ય અંકુરામાંથી થાય છે અને તે પૂર્વનો અંકુરો તેની પૂર્વના અન્ય બીજમાંથી થાય છે આમ ધારાઅનાદિ છે પણ પરસ્પરાશ્રય નથી. એ જ પ્રમાણે વર્તમાનકાળમાં રાગાદિની પરિણતિસ્વરૂપ ભાવકર્મથી જે દ્રવ્યકર્મો બંધાય છે તે દ્રવ્યકર્મો તે જ રાગાદિ ભાવ પરિણતિ રૂપ ભાવકર્મનું કારણ બનતાં નથી પણ ભવિષ્યકાળમાં થનારા રાગાદિની પરિણતિરૂપ ભાવકર્મનું કારણ બને છે. અને ભવિષ્યમાં થનારા રાગાદિ ભાવો તેના પછીના કાલે આવનારા દ્રવ્યકર્મનું કારણ બને છે.
આમ વર્તમાનનાં દ્રવ્યકર્મો ભૂતકાલીન રાગાદિ ભાવકર્મનું કાર્ય છે અને ભૂતકાલીન તે રાગાદિ ભાવકર્મો તેનાથી પણ પૂર્વકાલીન દ્રવ્યકર્મોનું કાર્ય છે. આમ કાર્ય-કારણભાવ ઘટી શકે છે અને આ રીતે દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્ય-કારણભાવ અનાદિકાળથી છે. આ પ્રમાણે આ ધારા અનાદિકાલીન છે પણ અન્યોન્યાશ્રય જેવો કોઇ દોષ આવતો નથી. આમ સિદ્ધ થાય છે.
દ્રવ્યકર્મના ઉદયથી નવાં ભાવકર્મ થાય છે અને તે ભાવકર્મથી નવાં દ્રવ્યકર્મો બંધાય છે આમ આ ધારા અનાદિની છે, પરંતુ તે ધારા અનાદિની હોવા છતાં અનંત હોય એવો નિયમ નથી. જેમ બીજમાંથી જ અંકુરા થાય અને અંકુરામાંથી જ નવાં નવાં બીજ થાય છે. તો પણ જે બીજ વાવવામાં જ ન આવે તો તે બીજ બીજપણે જ વપરાઈ જાય છે. તે વપરાઈ જતા બીજમાંથી અંકુરા ન હોય એવું પણ બને તથા જે અંકુરા ઉગતાંની સાથે પશુઓ ખાઈ જાય તો તેમાંથી બીજ ન પણ બને આમ બીજ-અંકુરાની ધારા અનાદિની હોવા છતાં અનંત હોય એવો નિયમ નથી તેની જેમ દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા અનાદિની છે આ વાત સપ્રમાણ સિદ્ધ થાય છે. પરંતુ આ ધારા અનાદિ છે એટલે અનંત પણ હોવી જોઈએ એવો નિયમ નથી.