________________
નિત્યનિયમાદિ પાઠ
‘‘સુખ સમયમાં છકી ન જાવું, દુઃખમાં ન હિંમત હારવી; સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.’ એવા વિચારથી સુખમાં ફુલાઈ જવું નહીં અને દુઃખમાં ધીરજ મૂકીને ગભરાઈ જવું નહીં.
૩૧૨
“શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” રોગ મરણ ઇત્યાદિ સર્વ દેહમાં છે. આત્મા તો ‘અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ'' છે ઇત્યાદિ જ્ઞાનીનાં વચનના આશ્રયથી જો પોતાના આત્માના અવિનાશી સ્વરૂપની શ્રદ્ઘા થઈ છે, જો સદ્ગુરુનું વચન મારા હૃદયમાં વિદ્યમાન છે તો પછી ત્રણ લોકમાં કોઈ રોગ, આપત્તિ, દુઃખ કે મરણાંત ઉપસર્ગ પણ એવો નથી કે જે મારા આત્માનો નાશ કરી શકે; તો પછી મારે ચિંતા કે ભય શા માટે રાખવો ? દેહનો નાશ થશે, પર્યાય છૂટશે. હું તો અખંડ અવિનાશી સદાય રહેનારો જ છું. એમ જ્ઞાનીનાં વચનના અવલંબને વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓથી ભરપૂર ભયંકર પર્વત, નદી, સ્મશાન કે અરણ્ય આદિ એકાંત સ્થળોમાં વિચરતાં પણ મને ભય થાય નહી. નિર્ભય થઈને આત્મભાવનામાં ઉદ્યુક્ત થઈને વિચરું. મન એવું બળવાન થઈ જાય કે તેવા પ્રસંગોમાં નિરંતર અડોલ, અકંપ, સુસ્થિર, ધીર, સ્વસ્થ, અને સમાઘિસ્થ રહે. દેહ, ગેહ, સ્વજન આદિ ઇષ્ટ પ્રિયજનના વિયોગમાં કે શત્રુ, રોગ, મરણ આદિ અનિષ્ટની પ્રાપ્તિમાં અપૂર્વ સહનશીલતાને, ઘીરજને ઘારણ કરું. સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે;
',