________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય
‘હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ હું સર્વથા કર્મને વશ છું. વિષયકષાયને આધીન પામર છું. જેમ કોઈ લંગડાને ગાડીમાં નાખીને ફેરવે તેમ આ દેહને આઘીન અને કર્મને આધીન માટે વર્તવું પડે છે. એવો હું તે શું કરવા સમર્થ છું ? પ્રભુશ્રીજી કહેતા કે એક તણખલાના બે કટકા કરવાની અમારી શક્તિ નથી ! તો મારી કંઈ કરવાની શી શક્તિ છે ? માત્ર કર્માધીન નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું સમજાય તેને વિવેક કહ્યો છે, તે આવે તો સાચું શું તે તરફ લક્ષ જાય. વિવેક એટલે હું કંઈ જ જાણતો નથી, જ્ઞાની જાણે છે, એવો સત્ય વિચાર જાગે પછી જ સત્પુરુષાર્થ આવે. પરંતુ હું વિવેકશૂન્ય છું.
જે કામ પોતાથી થાય તેવું ન હોય તેમાં અન્યની સહાય લેવાય છે તેમ મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય એમ નથી. તેમાં સત્પુરુષની સહાય જોઈએ. સંસારમાં જીવ અનંતકાળથી ગોથાં ખાય છે, ત્યાં ભગવાનના ચરણનું શરણ લે, મરણ સુધી છોડે નહીં, તો સમાધિમરણ થાય. “એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.'' સાચા પુરુષનું શરણ લીધું તો કંઈ ચિંતા રહે નહીં. “મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા ?’’ એટલે શરણભાવ કરી સમાધિમરણની ભાવના કરી લેવી જોઈએ. પછી ગમે તેવા વ્યાધિ, સંકટ આવે પણ ધીરજ ન છોડે. મોટાના શરણથી નિર્બળ પણ બળવાન થાય છે. સત્પુરુષનું શરણ છેક કેવળજ્ઞાન થતાં સુધી ખપનું છે, તેથી ભવોભવ ન જાય તેવું દૃઢ થવું જોઈએ. પણ હજુ તે શરણભાવ આવ્યો નથી.