________________
૧૬૨
નિત્યનિયમાદિ પાઠ
જડમાં જાણવાનો સ્વભાવ જરા પણ નથી ને ચેતનમાં રૂપ રસ આદિ નથી. ચેતન હંમેશાં જાણવાનું જ કાર્ય કરે છે ને ક૨શે અને જડ જાણી શકતું નથી. જડ કોઈ કાળે ચેતન ન થાય ને ચેતન કોઈ કાળે જડ ન થાય. બે તદ્દન જુદા સ્વભાવવાળા પદાર્થ છે ને ત્રણે કાળ જુદા જ રહે છે. પરસ્પર ગુણોનું સંક્રમણ કરીને સરખા કદી પણ ન થાય. (૫૭)
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮
અર્થ :— આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો ક૨ના૨ છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (૫૮)
ભાવાર્થ :— “માટે છે નહિ આતમા...'' શિષ્યે છેવટે કહ્યું હતું કે આત્મા નથી તેના ઉત્તરમાં કહે છે કે આત્મા નથી એમ કહેનારો કોઈ ન હોય તો એ વાક્ય જ ન નીકળે. આરસામાં પ્રતિબિંબ દેખાય તેને માનીએ અને આરસાને ન માનીએ તેની માફક આત્મા દ્વારા બાહ્ય પદાર્થો ઘટપટ જણાય છે તેને માને છે અને જેને લઈને જણાય છે, તે ચેતન જાણનાર જોનાર પોતે હાજર છે તેને જ માનતો નથી. પરવસ્તુઓ આત્માના જ્ઞાનદર્શનમાં જણાય છે તેને જાણે છે, માને છે; પણ જેમાં જણાય છે તે આત્માને જાણતો માનતો નથી એ મહાન આશ્ચર્ય છે. આત્માનો જ્ઞાનગુણ પરને પ્રકાશવામાં રોકાઈ ગયો છે તેથી સ્વપ્રકાશઆત્માને જાણવા-જોવાનો અવકાશ રહેતો નથી; આથી પોતાને પોતાના અસ્તિત્વની વિચિત્ર શંકા ઉપસ્થિત થઈ છે. (૫૮)