________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
જે પ્રભુના અવતારથી અવનિમાં, શાંતિ બધે વ્યાપતી. જે પ્રભુની સુપ્રસન્ન ને અમીભરી, વૃષ્ટિ દુઃખો કાપતી; જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, જે તારક જિનદેવના ચરણમાં, હોજો સદા વંદના. ૨૬ વીતરાગ આપજ એક, મારા દેવ છો સાચા વિભુ, તારો પ્રરૂપ્યો ધર્મ તેહિજ, ધર્મ છે સાચો પ્રભુ એવું સ્વરૂપ વિચારીને, કિંકર થયો છું આપનો, મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરો મુજ પાપનો. ૨૭ તુજમાં રહેલા ગુણ અનંતા, કેમ હું બોલી શકું, જડ બુદ્ધિ છું પણ ભક્તિ રાગે, કંઈક પણ બોલી શકું . જાણી શકો છો આપ મારા, ચિત્ત કેરા ભાવને, ભવ ભવ પસાથે આપના, એ ગુણ તણી ઈચ્છા મને. ૨૮ શ્રી સિદ્ધાચલ નયણે જોતા, હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતાં તનડું નૃત્ય કરે; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવ ભવ બંધન દૂર કરે. ૨૯ દુષમકાળે એ મહા તીરથ, ભવ્ય જીવોનો આધાર પરે, જુગ જુગ જુના સંચિત પાપો તે પણ જાવે દૂર રે; શિવમંદિરની ચડવા નિસરણી, અનંત દુઃખની રાશી ચૂરે, નિત્ય પ્રભાતે નમીયે ભાવે, અનંત સુખની આશ પૂરે. ૩૦ સુંદર ટુંક સોહામણી દીપે, નિરખતા પાતિકડા ટળે, આદિ પ્રભુનું અનુપમ દર્શન, કરતાં હૈયું અતી ઉછળે; ત્રણ ભુવનમાં ઘણું ઘણું જોતાં, ક્યાંયે ન એવી જોડ મળે, પૂજ્ય ભાવથી જો જિન પૂજે તો શિવસુખની આશ ફળે. ૩૧ કરૂણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે, ચાકરી ચાહું અહોનિશ તાહરી, ભવથી મન મારૂં વિરમે; શ્રી સિદ્ધાચલ મંડણ સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે, સમ્યમ્ દર્શન હર્ષને આપો, વિશ્વના તારણહાર તમે. ૩૨
-