________________
૨૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧
એમ વિધવિધ ભાવો આલેખાયેલા હોય છે. ભજનની વિશેષતા એ છે કે ભક્ત ઈશ્વર પાસે કશી યાચના કરતો નથી કારણ કે એ જાણે છે કે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ભજન રચનારને એની પ્રતીતિ થઈ હોય છે એથી મંદિરના દેવ કરતાં અખિલ બ્રહ્માંડમાં એક છતાં જૂજવે રૂપે ભાસતા શ્રીહરિની એ ઉપાસના કરે છે. ઈશ્વરના સ્વરૂપની ઝાંખી થતાં એના હૃદયમાંથી વાણી સ્કૂરે છે :
અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. (નરસિંહ).
મંદિરની પૂજાવિધિ જોડે સંકળાયેલાં પદો જેવાં કે ભગવાનને જગાડવા પ્રભાતિયાં, વસ્ત્રાભૂષણ પહેરાવતી વખતે શણગારનાં પદો, પોઢાડતી વખતે શયનનાં પદો, પારણામાં ઝૂલાવતી વખતે હિંડોળાનાં, આરતી ઉતારતી વખતે આરતીનાં પદો, જૈન ચૈત્યવંદન, કે સ્નાત્ર પૂજાનાં પદો. – જૈન મંદિરોમાં દર્શન કરતી વખતે ગવાતાં તે ચૈતન્યવંદનનાં પદોમાં દેવનું સંકીર્તન અરાવતું, દેવને સ્નાન કરાવતી વખતે અને પુષ્પ ચઢાવતી વખતે ગવાતાં પદો ખાત્રપૂજા કહેવાય છે. પ્રભાતિયાં, હિંડોળાનાં, શણગારનાં કે થાળનાં પદોમાં જુદે જુદે નિમિત્તે ઈશ્વરનું સ્તવન હોય છે. જેમ કે આભૂષણ દેવને કેવાં શોભે છે તે દર્શાવાયું હોય છે. હિંડોળાનાં પદોમાં હિંડોળામાં દેવ કેવા શોભે છે તે વર્ણવાયું હોય છે, તેથી એને કીર્તન કહેવામાં અનૌચિત્ય નથી. વસન્તનાં હોળીનાં કે ફાગનાં પદો મધ્યયુગમાં બહોળા પ્રમાણમાં પ્રચલિત હતાં. હોળી ખેલવી કે વસંતપંચમી ઉજવવી એ સામૂહિક ઉજવણીનું એક અંગ હતું. તેને ધાર્મિકતાનો પાશ આપવા કવિઓ પૌરાણિક પાત્રોનું આલંબન લઈ એ ઉત્સવ નિમિત્તે શૃંગારિક પદો રચાતાં. એ પદોમાં પણ ઈષ્ટદેવનાં ગુણગાન હોવાથી એને કીર્તનનાં પદો કહી શકાય. જે સંભોગશૃંગારનાં પદોમાં હોળી કે વસંતનું આલંબન લેવાતું, તેમ મહિનાનાં પદોમાં માસે માસે પ્રવૃત્તિમાં થતાં પરિવર્તનોથી વિરહવ્યથા કેવી કારમી બનતી જાય છે તે દર્શાવાતું. એવા વિરહના બાર માસ પ્રથમ જૈન કવિઓએ રચ્યા છે. વિનયચન્દ્રકૃત નેમિનાથ ચતુષ્પાદિકા' આપણું પ્રથમ બારમાસીનું પદ છે. એ ઈ. ૧૨૧૩માં રચાયું છે. નેમિનાથની રાહ જોતી રાજિમતીની વિરહવ્યથા પ્રત્યેક માસે કેવી જીવલેણ બનતી જાય છે તે એમાં દર્શાવાયું છે. કાવ્યનો આરંભ શ્રાવણ માસથી થાય છે અને ઋતુપરિવર્તનનું આલંબન લઈ રસજમાવટ કરવામાં આવી છે. અષાઢ મહિનો વીતી ગયા પછી અધિકમાસે નેમિનાથ આવે છે અને વિપ્રલંભ સંયોગમાં પરિણમે છે.