________________
ફાગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૨૮૯
ચંપલા ચિહું દિસિ ફુલીયા સદલ સરૂપ સૂગંધ, પારજાતિક પરિમલ કરઈ વેલસરી મુચકુંદ. ૧૨ વનસપતિ જોવન ચડી વનિ વનિ વનિ મહકાર, ભમરલા ગુંજારવ કરઈ કેસૂયડે કુચ નારિ. ૧૪
એથી ભાનભૂલેલી ત્રસ્ત નાયિકા ભ્રમર સાથે પતિને સંદેશો મોકલવાની ચેષ્ટા કરે છે :
ભમરલા જાઉં બલિહારઈ કંત હોવઈ જિણ દેસિ. એક સંદેશો રે હું કહું તું મારા પ્રીયનઈ કહેસિ; હેમ ગમીયો માં એકલી તો વિણિ મુરષ કંત, નથીય ષમાતું રે પ્રીયડલા વલિય વિસેષે વસંત.” ૧૬ દેવે એને પંખિણી સરજી હોત તો તો એ પ્રિયતમ પાસે ઊડીને જાત : દઈવ ન સીરજી રે પંખડી ઉડી ઉડી મિલતીરે જાંતિ, વીસરીયા નવિ વિસરે રે વસિયા મનમાંહિ; ચિત્ત રાખે મન નવિ રહઈ રોઈ રોઈ સેજ ભરાહિ. ૨૨
પતિવિહોણી એકલવાઈ નારીનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. એમાં ઘણી વાર પ્રેમાનંદ આદિ મધ્યયુગીન મહાકવિઓના વિચારભાવની પૂર્વચ્છાયા નજરે પડે છેઃ
વેગિ રે વીઠલા કરિજો સાર નર વિના નારી સૂનો સંસાર. ૧૭ ચંદલા વિણ કિસો ચંદ્રણો મોતી વિણ કિસ જ હાર, નગર કિસો વિણ નાયિકા પ્રીઉ વિણ સેજશૃંગાર. હંસલડા વિણ સર કિસૌ કૌઇલ વિણ કિશુ જ વન, વાલંભ વિણ કિસી ગોઠડી જાણજ્યો જગ ત્રજીવન.” ૨૦
પૂર્વાર્ધમાં લૌકિક નાયિકારૂપે જેનું આલેખન કર્યું હતું તેને કાવ્યના ઉત્તરાર્ધમાં રુકિમણી રૂપે કવિએ પ્રકટ કરી છે, જે કૃષ્ણમિલનની અધીરતાથી રાહ જોઈ રહી છે. જોષીને એ પ્રિયઆગમનની અવધિ પૂછે છે; જોષી સત્વરે પ્રિયઆગમનની આશા આપે છે. એમાં એને એક પછી એક શુભ શુકન થાય છે, એટલે એ સોળે શણગાર સજીને પ્રિયઆગમનને સત્કારવા તત્પર થઈ બેઠી છે :
‘સજ કરી સિણગાર સહેલી વાટ જોવઈ પ્રીયનાં વહેલી, નવણ કુંજ કાજલ સારી સષીએ આજ મિલસ્ય મોરારી. ૪૧