________________
૨૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
સુરવર કિંમર સારઈ સેવ, ધુરિ પ્રણમું લંબોદર દેવ. વરષેત્ર ઊજેણી થાન, કલિયુગ પ્લેચ્છ હિંઈ બહુમાન, પ્રણમું ચરણકમલ તસ તણાં, હરિસિદ્ધિ હરઈ દૂરી હમ તણાં.
મંગળાચરણ પછી તરતજ કવિએ હમ્મીરના માતાપિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદએના સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું વર્ણન આવે છે, અને એ પછી રણથંભોરના નગરનું અને એમાં ભરેલા શસ્ત્રભંડારનું વર્ણન કર્યું છે. પછી કવિએ અલાઉદ્દીનના ઐશ્વર્યનું અને વિજયોનું તથા દિલ્હી નગરનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આગળ કથાપ્રસંગમાં કવિ જણાવે છે કે મહિમાશાહ
અલાઉદ્દીનનો વજીર હતો, અને ગાભરુ મીર એનો નાનો ભાઈ હતો. એમણે સુલતાનના પ્રિયપાત્ર સરદાર કાબૂ મલિકને મારી નાંખ્યો. તેથી રોષે ભરાઈને સુલતાને એમનાં બંનેના માથાં કાપી લાવવાનો હુકમ કર્યો. આથી એ બંને અમીરો નાઠા. એમને ક્યાંયે રક્ષણ મળ્યું નહીં, એથી અંતે તેઓ રણથંભોરના રાજા હમ્મીરને આશ્રયે આવ્યા. એમને આશ્રય આપતાં સુલતાનની ખફગી વહોરવી પડશે એવું મહાજનના સમુદાય હમ્મીરને ઘણું સમજાવ્યું, છતાં હમ્મીર જરાયે ડગ્યો નહીં, અને શરણાગતનું પ્રાણાન્ત પણ રક્ષણ કરવાનો એણે પોતાનો દૃઢ નિરધાર જાહેર કર્યો.
અહીંથી યુદ્ધનો પ્રારંભ થયો. અલાઉદ્દીને અલફખાનની સરદારી નીચે સત્તર ખાન સાથે રણથંભોર ઉપર એક વિશાળ લશ્કર મોકલાવ્યું. પહેલા હલ્લામાં મુસ્લિમ સેનાનો પરાજ્ય થયો. એટલે અલાઉદ્દીન પોતે ફરી મોટું લશ્કર લઈને રણથંભોર ઉપર ચઢી આવ્યો અને એના કિલ્લાને એણે ઘેરો ઘાલ્યો. હમ્મીરે અપાર શૌર્યથી એનો સામનો કર્યો પણ રતિપાલ અને રણમલ્લ જેવા પોતાના જ સેનાપતિઓ દગાબાજ નીવડવાથી ગઢનું હવે લાંબોવખત રક્ષણ થઈ શકશે નહીં એમ લાગતાં હમ્મીર અને એના શૂરવીર રાજપૂત સૈનિકોએ તેમજ પેલા બે મુસલમાન અમીરોએ કેસરિયાં કર્યા, અને નગરની સર્વ સ્ત્રીઓએ જૌહર કર્યો. અને કિલ્લાને આગ લગાડી.
વીરગતિને પામેલા હમ્મીરને અને અન્ય રાજપૂત સુભટોને સુલતાને માનપૂર્વક અગ્નિદાહ દેવરાવ્યો અને ફૂટી ગયેલા રાજપૂત સેનાપતિઓ રણમલ્લ અને રતિપાલનો વધ કરાવ્યો. સુલતાન ગઢ ઉપર જ્યારે ચઢ્યો ત્યારે તો સર્વ બળીને ખાખ થઈ ગયું હતું. ત્યાં એણે એક નવું નગર વસાવ્યું.
આ પ્રબન્ધના રચિયતાએ ‘કાન્હડદે પ્રબન્ધ જોયો છે, અને એમાંથી પ્રેરણા લીધી છે એમાં શંકા નથી. એનું કથાનક તો પૂર્ણપણે કાન્હડદે પ્રબન્ધનું પ્રતિબિંબ ધારે જ છે, પણ કાવ્યની સંઘટના ઉપર પણ ‘કાન્હડદેપ્રબન્ધની પ્રચુરપણે છાયા પડી છે.