________________
૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દ્દઢતાએ મારવાડ અને ગુજરાતની પ્રાયઃ સમાન ભાષાને – જેમાં બોલીભેદો હશે જ – ગુજરાત અને મારવાડની બે સ્વતંત્ર ભાષાઓ રૂપે વિકસવાનો અવકાશ આપ્યો. ઈસવીસનની પંદરમી સદીના આરંભમાં અમદાવાદની સ્થાપનાની ઘટના નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કવનકાળથી થોડાક દશકા જેટલી જ જૂની છે.
પૂર્વકાળના અને આપણા અભ્યાસવિષય કાલખંડના સાહિત્યનાં પ્રેરક બળો બહુધા સમાન હતાં. આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણમાં ઉદ્ધૃત થયેલા પ્રેમશૌર્ય અને સામાન્ય ઉપદેશના દુહાઓનું સાતત્ય અર્વાચીન કાળ સુધી રહેલું છે એ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના ઐતિહાસિક જીવન અને લોકસાહિત્ય ઉપરથી જણાય છે. સંસ્કૃતનો સુભાષિતછંદ જેમ અનુષ્ટુપ તેમ અપભ્રંશ અને ગુજરાતી-રાજસ્થાનીનો સુભાષિતછંદ દુહો. દુહા વિષે કોઈ વિદગ્ધ કહેલો એક જૂનો ગુજરાતી દુહો છે -
દૂહો તિહાં કહીજઇ, જિહાં હોહિ લોક સુજાણ; અધૂરઇ પૂરઉ કરઇ, પૂરઈ કરઇ વખાણ.
પંદરમા સૈકા પછીના ગુજરાતી હસ્તલિખિત સાહિત્યમાં સુભાષિતોના— પ્રાસ્તાવિક દુહાના અનેક સમૃદ્ધ સંગ્રહો મળે છે, જેમાંના કેટલાક સ્વ. ચિમનલાલ દલાલે, શ્રી મધુસૂદન મોદીએ, અને આ લેખકે છપાવ્યા છે. આ સિવાય જૂની પદ્યવારતાઓ અને આખ્યાનોમાં, રાસા આદિમાં દુહા અને અન્યછંદોમાં રચાયેલાં પુષ્કળ સુભાષિતો–મુક્તકો ઉત્કૃત થયેલાં છે, જેનો ‘સુભાષિતરત્નભાંડાગાર' જેવો મોટો સંગ્રહ સંકલિત થઈ શકે. શિષ્ટ સાહિત્યનો લોકસાહિત્ય સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સમન્વય અહીં જોઈ શકાય છે અને મધ્યકાલીન સાહિત્યના અનેક પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ વિવિધ રીતે અને વિવિધ કોટિએ વરતાય છે.
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું, કેમ કે જીવનનાં અનેક અંગો ધર્મરંગે રંગાયેલાં હતાં. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જૈન ધર્મ લઈએ, કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જૈનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય; એમ હોવું શક્ય કે સંભવિત નથી. પણ જૈન-ગ્રન્થભંડારોની સામાજિક સંગોપનપદ્ધતિને કા૨ણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જૈનેતરકૃત જે થોડુંક સાહિત્ય મળે છે તે પણ જૈન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું એક પ્રમાણ છે. પંદરમા સૈકા પછીના કાલખંડમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે; જૈનેત૨ સાહિત્ય પણ અર્વાક્તન સમયમાં આવતા જઈએ તેમ તેમ સારું સચવાયેલું