________________
૧ ભૂમિકા
ભોગીલાલ સાંડેસરા
ઈ. ૧૪૫૦ થી ૧૮૫૦ સુધીનો આશરે ચાર શતાબ્દીનો કાલખંડ એ વાસ્તવિક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ છે. નરસિંહ પૂર્વેના સાહિત્યને પ્રાચીન ગુજરાતી કે મારુગુર્જર સાહિત્ય કહી શકાય. એનીયે પહેલાં ઉત્તરકાલીન અપભ્રંશ તથા અપભ્રંશ ઐતિહાસિક પૂર્વક્રમમાં રહેલાં છે. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો વિજય થયો ત્યારે ઊભા થયેલા ધાર્મિક-સામાજિક અનેકવિધ નવા પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય માનસને અને ભારતીય સંસ્કારિતાના એક નવા જ યુગને અભિવ્યકિત આપવાનું કાર્ય ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. લોકપ્રચલિત કથ્ય ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાતો પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય જીવન એના જૂના ચીલાઓમાં જ ચાલતું રહ્યું હોત તો સંભવ છે કે નવ્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યનો જન્મ અને વિકાસ એકાદ-બે શતાબ્દી જેટલો મોડો થયો હોત. ભારતીય વિચાપ્રવાહના નાયકોએ પોતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોનો આમવર્ગમાં પ્રચાર કરવા માટે લોકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું, હિન્દુઓના તાત્ત્વિક એકેશ્વરવાદનો તેમણે આધાર લીધો અને મુસ્લિમોના નિર્ગુણ એકેશ્વરવાદ સાથે એનો સ્વાભાવિક સમન્વય સાધવા પ્રયત્ન કર્યો. આ પ્રયત્નોનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યોનો આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશોના વ્યકિતત્વના વિકાસને વેગ મળ્યો. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉત્તેજન મળ્યું. પ્રદેશના ઘડતરમાં બીજાં તત્ત્વો સાથે વાહન-વ્યવહારનાં સાધનો-માર્ગોનુંયે વિશિષ્ટ મહત્ત્વ છે. જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાઓ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ પ્રથમ પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની