________________
નરસિંહ મહેતા ૧૨૩
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા; (૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો – શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં
ઊર્મિગીતો; (૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.
૧. આત્મકથનાત્મક કૃતિઓ આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.” તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાનાં બે પદ છે.
સાચું કે સ્વપ્ન – છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. મામેરુંના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :
ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ “મૂર્ખ કહી મહેણું દીધું.
વચન વાગ્યે, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું. પુત્રનો વિવાહમાં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે :
મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વધૂંધી;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ રાત સુધી. શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :