________________
૧૨૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
કોઈ નામધારી નામદેવે ‘નામા હણે ધન્ય નરસી મહેતા' કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ.૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'–એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે ઃ ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪.હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.
પ્રાચીન કાવ્યમાળામાં ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ'નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.
ઈચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે) ૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી -૧૯૪૯- એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઈચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માંથી આપ્યાં છે.
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :
(૧) આત્મકથાનાત્મક કૃતિઓ પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હા૨સમેનાં પદ, ઝારીનાં પદ, હિરજનોને અપનાવ્યાનાં પદ;
-