________________
જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૯૩
જણાય છે, પ્રસંગાલેખન, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન અને દાનશીલાદિના મહિમાના વર્ણનમાં નલ-દવદંતી વિશે રાસકૃતિની રચના કરનારા પોતાના પુરોગામી કવિઓ કરતાં મહીરાજે વિશેષ શક્તિ દાખવી છે, જોકે કેટલેક સ્થળે ઋષિવર્ધન જેવા કવિની છાયા પણ જોઈ શકાય છે. અલબત્ત, બીજી બાજુ કેટલેક સ્થળે કવિની સ્વતંત્ર અને મૌલિક કલ્પનાશક્તિ પણ જોઈ શકાય છે. પ્રસંગે પ્રસંગે દૃષ્ટાન્તો અને સુભાષિતોના પ્રકારની પંક્તિઓ પણ કવિએ પ્રયોજી છે એ રાસની ગુણવત્તામાં ઉમેરો કરે છે.
કુશળલાભ
વાચક કુશળલાભ ઈ.સ. ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે પોતાની કૃતિઓમાં પોતાની ગુરુપરંપરાનો થોડોક નિર્દેશ કર્યો છે. ‘તેજસાર રાસ'માં અને ‘અગડદત્ત રાસ'માં તેઓ પોતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરે છે. કુશળલાભ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના હતા અને રાજસ્થાન તરફ તેમનો વિહાર વિશેષ રહેલો જણાય છે. એમણે પોતાની બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનમાં જેસલમેરમાં કર્યું હતું. તેમણે ખંભાતના સ્થંભનક પાર્શ્વનાથની અને પારકરના ગોડી પાર્શ્વનાથની જાત્રા કરી હતી. કુશળલાભે રચેલો નવકાર મંત્રનો છંદ' આજે પણ જૈનોમાં ગવાય છે.
કવિ કુશળલાભે રચેલી અને હાલ ઉપલબ્ધ કૃતિઓ આ પ્રમાણે છે : (૧) માધવાનલ ચોપાઈ (ઇ.સ. ૧૫૬૦), (૨) મારૂઢોલાની ચોપાઈ (ઈ.સ. ૧૫૬૧), (૩) જિનરક્ષિત જિનપાલિત સંધિ (૧૫૬૫), (૩) તેજસાર રાસ (ઈ.સ. ૧૫૬૮), (૫) અગડદત્તરાસ (ઈ.સ. ૧૫૬૯), (૬) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, (૭) ગોડી પાર્શ્વનાથ સ્તવન (૮) નવકાર મંત્રનો છંદ.
એમની સૌથી નોંધપાત્ર કૃતિ માધવાનલકામકંદલા ચોપાઈ (માધવાનલ પ્રબંધ)ની રચના ઈ.સ. ૧૫૬૦ (વિ. સ. ૧૬૧૬)માં ફાગણ સુદ ૧૩ને રવિવારે જેસલમેરમાં થઈ હતી. જેસલમેરના મહારાજા યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુંવર રાજા હિરરાજના કુતૂહલ અર્થે આ કૃતિની રચના કરી હતી એવો નિર્દેશ કૃતિમાં છે.
દુહા અને વિશેષે ચોપાઈ બંધમાં થયેલી આ રચનામાં વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લોક પણ મૂકવામાં આવ્યા છે, અને પ્રાકૃત ગાથાઓ પણ આપવામાં આવી છે. ૬૬૬ કડીની આ કૃતિને કવિએ ઠણિ કે કડવક ઇત્યાદિમાં વિભક્ત કરી નથી. તેમજ તેમાં ચોપાઈ ઉપરાંત ભિન્ન ભિન્ન દેશીની ઢાળો પણ પ્રયોજવામાં આવી નથી. માધવાનલ અને કામકંદલાની કથાનાં મૂળ લોકકથામાં રહેલાં છે અને કુશળલાભે પણ ઈતર કેટલાક જૈન કવિઓની જેમ લોકકથામાંથી કથાનક પસંદ કરી પોતાની આ કૃતિની રચના કરી