________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૨૭
અને અપભ્રંશ જેવી બીજી સંસ્કૃતોત્થ વ્યાપક અખિલ ભારતીય સાહિત્યિક ભાષાઓ પણ સમકાલીન લોકબોલીઓ પર પોતાની અસર પાડ્યા વિના ન જ રહી હોય.
એક ત્રીજી દિશામાંથી પણ ભારતીય-આર્યના ઇતિહાસને વ્યાપક અસર સતત પહોંચતી રહી છે. આર્યોના ભારતવર્ષ-પ્રવેશથી માંડીને અત્યાર સુધી ભારતીય-આર્યનો અનેક ભિન્ન પરિવારની ભાષાઓ સાથે વધતોઓછો કે આછોઘેરો સંપર્ક રહ્યો છે. તે તે ભાષાભાષીઓનું મુકાબલે સંખ્યાબળ, એમનો સાંસ્કારિક કે રાજકીય મોભો, સંપર્કનો અવધિ વગેરે અનુસાર એમના પ્રભાવની માત્રા અંગે અનુમાન કરી શકાય. ઋગ્વદની ભાષામાં દ્રવિડી તેમજ કોલ-મુંડા ભાષાઓના પ્રભાવનાં ચિહ્નો હોવાનું જાણકારો કહે છે. પછીના સમયની વાત કરીએ તો હાલની ગુજરાતી-રાજસ્થાનના પ્રદેશનો સંબંધ કાળક્રમે બેત્રિઅનો, શકો, ક્ષત્રપો, ગુર્જરી, હૂણો, અરબો, મોગલો, પારસીઓ, કન્નડભાષીઓ, ફિરંગીઓ, અંગ્રેજો વગેરે પરદેશીઓ-પરભાષીઓ સાથે રહ્યો છે. આમાં આર્યોના ગુજરાત પ્રવેશ પહેલાંના અહીં વસેલા આદિવાસીઓની બોલીઓનો પણ સમાવેશ કરવો જોઈએ. પણ પ્રાગર્વાચીન અસરોનું ચોક્કસ સ્વરૂપ તેમજ પ્રમાણ નક્કી કરવા માટે આપણી પાસે નજીવાં જ સાધન છે. ગુજરાતી ભાષાના વિકાસનું અધ્યયન કરવામાં ઉપકારક બને તેવી ગુજરાતીઓના ઇતિહાસની જે સામગ્રી આપણને મળે છે તે ઘણી જ અધૂરી છે. એ અંગે સામાન્ય સૂચનો અને સંભાવ્ય અટકળો જ મોટે ભાગે કરવાનાં રહે છે. તે
ભાષાવિકાસના સર્વદેશીય નિરૂપણનો બોલનાર સમૂહના ઇતિહાસ સાથે નિકટનો સંબંધ છે એ ખરું, પણ એનો પાયાનો સંબંધ તો એ ભાષાને સીધેસીધાં સ્પર્શતાં સાધનસામગ્રીના સ્વરૂપની સાથે છે. બોલાતી ભાષાનાં પૂર્વસ્વરૂપોના આપણને મળતા ઐતિહાસિક નમૂના જેટલા વિપુલ અને જેટલે અંશે પ્રતિનિધિરૂપ હોય, તથા એને લગતી વ્યાકરણ વૃત્તાંત વગેરે રૂપે રહેલી ને આનુષંગિક પુરાવા તરીકે કામમાં આવે તેવી સામગ્રી જેટલે અંશે પ્રમાણભૂત અને સમીક્ષિત હોય તેટલે અંશે ભાષાની પૂર્વભૂમિકાઓનો કડીબદ્ધ અખંડ ઇતિહાસ રચી શકાય અને અંતમાં અદ્યતન ભૂમિકાનો વિકાસવ્યાપાર એના વાસ્તવિક સ્વરૂપમાં સમજાવી શકાય. આને અંગેની આધારભૂત સાધનસામગ્રીના સ્વરૂપનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું.
ભારતીય-આર્યના આખાયે વિકાસગાળામાં એના જે નમૂના મળે છે તે, થોડા અપવાદો બાદ કરતાં, ભાષાના બોલચાલના સ્વરૂપના નહીં, પણ સાહિત્યિક સ્વરૂપના છે. બોલીના વાસ્તવિક સ્વરૂપ સાથે સંબંધ ધરાવતા નમૂના ભાગ્યે જ જળવાયા છે. જળવાયેલી ભાષા ઘણુંખરું સાહિત્યિક જ છે – અને એ વિશેષે કરીને આલંકારિક, રૂઢ તેમજ પાયાની જીવંત બોલી મૃત બની ગયા પછી કૃત્રિમ સ્વરૂપમાં સદીઓ સુધી વિશિષ્ટ વર્ગે જીવતી રાખેલી એ સ્વરૂપની છે. આમાં પ્રાચીન ભૂમિકાનું સાહિત્ય