________________
(ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
ભાષા, સંસ્કૃત વગેરેનો સમાવેશ પહેલી ભૂમિકામાં, પાલિ પ્રાકૃતો અપભ્રંશ વગેરેનો સમાવેશ બીજી ભૂમિકામાં, અને હિંદી બંગાળી ગુજરાતી વગેરે ઉત્તર ભારતવર્ષની અર્વાચીન ભાષાઓનો સમાવેશ એમનાં જૂનાં-નવાં સ્વરૂપો સાથે ત્રીજી ભૂમિકામાં થાય છે.
કોઈ પણ ભાષાના વિકાસનું પૂરેપૂરું ચિત્ર તૈયાર કરવાનો આધાર એને માટે 'ઉપલબ્ધ સાધનસામગ્રીની પર્યાપ્તતા પર રહેલો છે. સાધનસામગ્રીની મર્યાદાથી વિકાસચિત્ર એક કે બીજી દષ્ટિએ અધૂરું કે ખામીભર્યું રહે છે.
ભાષા એ એક વ્યવહારાર્થ પ્રયોજાતું પ્રતીતંત્ર હોવાથી એનું અસ્તિત્વ બોલનાર સમૂહથી અલગ ન હોઈ શકે. બોલનાર સમૂહના જીવનમાં થતાં પરિવર્તન એની ભાષામાં પણ કોઈ નહિ ને કોઈ સ્વરૂપે અંકિત થતાં રહે છે. એટલે ભાષા-વિકાસની સર્વાગીણ વિચારણા માટે બોલનાર સમૂહના ઇતિહાસનું જ્ઞાન અનિવાર્ય છે, પણ એ જ્ઞાન એ માટે મળતાં સાધનસામગ્રીના સ્વરૂપ ઉપર જ અવલંબે એ દેખીતું છે.
એક ભાષા બોલનાર સમૂહને બીજી ભાષા બોલનાર સમૂહથી અળગો રાખે તેવી સ્પષ્ટ ભૌગોલિક સીમાઓનો અભાવ; રાજકીય સીમાડાઓનો સંકોચ-વિસ્તાર; સાધુસંન્યાસી, યાત્રાળુઓ, સૈન્યો, સંકટગ્રસ્ત પ્રદેશના લોકસમૂહો, પરદેશી આક્રમણકારો ને જાતિકુળો વગેરેનાં ચાલુ ભ્રમણો કે સ્થળાંતરો – આ બધાં બળોને લઈને ભારતીય-આર્યમાં એકબીજીથી જુદી તરી આવે તેવી સ્પષ્ટરેખ બોલીઓ વિકસવા આડે ઠીકઠીક નડતર હતાં. અને એવી અલગ વ્યક્તિત્વ ધરાવતી બોલીઓ વિકસ્યા પછી પણ ભાષાસામગ્રીની આપલે વધતેઓછે અંશે ચાલુ રહી. પ્રાચીન અને મધ્યમ ભૂમિકાની ભારતીય-આર્ય બોલીઓમાં આવી સામગ્રીની આપલે સારા પ્રમાણમાં થતી રહી હોવાનું જણાય છે. આ કારણે પણ એ બોલીઓના સ્વરૂપનું ચોક્કસ આલેખન કરવાનું કામ સારી રીતે મુશ્કેલ બની જાય છે. આ વાત બીજી અર્વાચીન ભારતીય ભાષાઓને તેમજ ગુજરાતીની પૂર્વભૂમિકાને સમાનપણે લાગુ પડે છે. અર્વાચીન ભારતીય-આર્ય ભૂમિકામાં પણ રાજકીય ધાર્મિક કે સાહિત્યિક મહત્ત્વને લઈને વ્રજ મરાઠી હિંદી બંગાળી જેવી ભાષાઓની ગુજરાતી ઉપર અસર પડી છે.
સમકાલીન સહજન્ય બોલીઓની અરસપરસ થયેલી અસર ઉપરાંત બીજી એક દિશામાંથી પણ ભારતીય-આર્ય સમૂહની બોલીઓના વિકાસવ્યાપાર પર પ્રબળ પ્રભાવ પડતો રહ્યો છે. શિષ્ટ વ્યવહાર, સાહિત્ય ને સંસ્કારની ભાષા તરીકે સંસ્કૃત મધ્યમ અને અર્વાચીન ભૂમિકાઓને સતત પ્રભાવિત કરતી રહી છે. વિશેષ કરીને અર્વાચીન ભૂમિકામાં નવતર વિભાવો દર્શાવવા માટે સંસ્કૃતના અખૂટ અને સમૃદ્ધ શબ્દભંડારનો શતાબ્દીઓથી લાભ ઉઠાવાતો આવ્યો છે, જોકે બીજે પક્ષે સંસ્કૃતમાં પણ તે તે સમયની લોકબોલીઓના પ્રભાવથી પરિવર્તન થતું રહ્યું છે. સંસ્કૃત ઉપરાંત મહારાષ્ટ્રી