________________
૨૭૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
કરીએ. એવા ગ્રંથોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય : બાલાવબોધ, વર્ણક અને ઔક્તિક.
૧. બાલાવબોધ
બાલ' એટલે વયમાં નહિ, પણ સમજ કે જ્ઞાનમાં બાલ; એના ‘અવબોધ' માટે થયેલી રચનાઓ તે બાલાવબોધ'. ગુજરાતીમાં જૂનામાં જૂનું ગદ્યસાહિત્ય જૈન શાસ્ત્રગ્રંથોમાં બાલાવબોધ રૂપે છે. બાલાવબોધ આમ જો કે જૈન સાહિત્યનો શબ્દ છે, પણ એનો અર્થ સહેજ વિસ્તારીને ‘ભાગવત’, ‘ભગવદ્ગીતા’, ‘ગીતગોવિન્દ’, ‘ચાણક્યનીતિશાસ્ત્ર’, ‘યોગવાસિષ્ઠ,' ‘સિંહાસનબત્રીસી', ‘પંચાખ્યાન’,‘ગણિતસા૨’ આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઇતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય, કેમ કે આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલવબોધમાં કેટલીક વાર મૂળ ગ્રંથનું ભાષાન્તર હોય છે, તો કેટલીક વાર દૃષ્ટાન્તકથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂળનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. પણ બાલાવબોધનો એક ઉત્તરકાલીન પ્રકાર સ્તબક’ અથવા ‘ટબા’ રૂપે ઓળખાય છે. તેમાં માત્ર શબ્દશઃ ભાષાન્તર જ હોય છે. એમાં ‘સ્તબક’ની પોથીઓની લેખનપદ્ધતિ કારણભૂત છે. બાલાવબોધના વાચકો કરતાં પણ જેમનું શાસ્ત્રજ્ઞાન કે ભાષાજ્ઞાન મર્યાદિત હોય તેવા વાચકોને ધ્યાનમાં રાખીને ‘સ્તબક'ની રચના થયેલી છે. એમાં પોથીના પ્રત્યેક પૃષ્ઠ ઉપર શાસ્ત્રગ્રંથની ત્રણ કે ચાર પંક્તિ મોટા અક્ષરોમાં લખવામાં આવતી અને પ્રત્યેક પંક્તિની નીચે ઝીણા અક્ષરમાં ગુજરાતીમાં એનો અર્થ લખવામાં આવતો, જેથી વાચકને પ્રત્યેક શબ્દનો ભાવ સમજવામાં સરળતા થાય. આ પ્રકારની લેખનપદ્ધતિને કારણે પ્રત્યેક પૃષ્ઠ ઉપર નાના અને મોટા અક્ષરોમાં લખાયેલી પંક્તિઓનાં જાણે કે ‘સ્તબક’ ઝૂમખાં – રચાયાં હોય એમ જણાતું. એ ઉ૫૨થી આ પ્રકારના અનુવાદ માટે ‘સ્તબક’ શબ્દ વપરાયો, જેમાંથી ગુજરાતી ‘ટબો' વ્યુત્પન્ન થયો.
બાલાવબોધના કર્તાઓ પોતાના વિષયના જાણકાર વિદ્વાનો હતા એ કારણે એમના અનુવાદો શિષ્ટ હોય છે અને શબ્દોની પસંદગી મૂળને અનુસરતી તથા સમુચિત અર્થની વાહક હોય છે. એમનો પ્રથમ ઉદ્દેશ સાહિત્યિક આનંદ આપવાનો નહિ, પણ વાચકને મૂળ ગ્રંથના વિષય-વસ્તુનું જ્ઞાન કરાવવાનો હોય છે, છતાં અનેક ગ્રંથોમાં સાહિત્યિક વાર્તાલાપ-શૈલી કે અલંકારપ્રચુર વર્ણકશૈલીની એંધાણીઓ વરતાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં બાલાવબોધ પાંચ-પચીસ નહિ, પણ કુડીબંધ છે, અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં સંઘરાયેલા શાસ્ત્રજ્ઞાનને લોકભાષાઓ દ્વાર બહુજનસમાજ સમક્ષ સરળ સ્વરૂપમાં મૂકવાની જે પ્રવૃત્તિ. મધ્ય કાળમાં સમસ્ત ભારતવર્ષમાં નજરે