________________
૮ ગદ્ય
ભોગીલાલ સાંડેસરા
જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્ય લખાણો અણછતાં કે વિરલ હતાં એવો એક સામાન્ય ખ્યાલ કેટલાક સમય પહેલાં પ્રવર્તતો હતો, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ પ્રમાણપુરઃસર નહોતો એ નિશ્ચિત થાય છે. ઠેઠ ઈસવી સનના તેરમા શતકથી માંડી જૂની ગુજરાતીમાં (અથવા ડૉ. તેસ્સિતોરિએ પ્રચલિત કરેલો શબ્દ વાપરીએ તો જૂની પશ્ચિમ રાજસ્થાનીમાં અથવા શ્રી ઉમાશંકર જોશીએ સૂચવેલો સુભગ શબ્દ પ્રયોજીએ તો, મારુ-ગુર્જર ભાષામાં) ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. ગદ્ય અર્વાચીન કાળમાં સાહિત્યના અનેક પ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું, ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિત ક્ષેત્રમાં યે થોડાંક અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોના અનુવાદરૂપ બાલાવબોધો; પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલાં ‘પૃથ્વીચન્દ્રચરિત' (ઈ.૧૪૨૨) જેવાં ગદ્યકાવ્યો કે સભાશૃંગાર' આદિ વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્યકથા’ (ઈ.૧૪૯૪ આસપાસ)' જેવી ક્વચિત્ અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને કાદંબરી કથાનક' (ઈ.ના ૧૭મા શતકનો ઉત્તરાર્ધ) જેવા સરળ કથાસંક્ષેપો; દાર્શનિક ચર્ચાઓ, વાદ-વિવાદો અને પ્રશ્નોત્તરીઓ; ઔક્તિક તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો એ જૂના ગુજરાતી સાહિત્યના પ્રાપ્ત વિવિધ પ્રકારો છે. ઉપલબ્ધ જૂનું ગુજરાતી ગદ્યસાહિત્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો, ‘બૃહત્કાવ્યદોહન’ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવડા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે થાય. જો કે જુદાજુદા ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિશે વિચારતાં મને લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ, અલ્પોક્તિનો છે.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં ઉપલબ્ધ ગદ્યગ્રંથોનું હવે વિહંગાવલોકન
-