________________
લૌકિક કથા આદિ ૨૬૩
આવાસે ઊડીને આવ્યો. રાજકુમારીએ એને હાથ ઉપર બેસાડ્યો, સુલલિત વાણીથી બોલાવ્યો તથા સાકર અને દ્રાક્ષની ચણ આપી. પોપટને પગે દોરો બાંધેલો જોઈ રાજકુમારીએ છોડ્યો એટલે એ વિદ્યાવિલાસ થઈ ગયો. બધો ભેદ જાણીને રાજકુમારીએ દોરો પાછો બાંધી દીધો, મંત્રી પોપટરૂપે પાછો ગણિકાના પાંજરામાં જઈને બેઠો અને રાજકુમારી અતિ ઉલ્લાસપૂર્વક સૌભાગ્યસુન્દરીને સમાચાર કહેવા ગઈ. સૌભાગ્યસુન્દરીએ સખીઓ દ્વારા રાજાને ખબર આપી. રાજાએ ગણિકાને તેડાવી.. એણે માંડીને બધી વાત કહી. મંત્રીને આલિંગન દઈ રાજાએ ગણિકાને રજા આપી અને અર્ધ રાજ્ય આપી રાજકુમારી પરણાવી. લગ્નોત્સવ થયો અને મંત્રી ઘેર આવ્યો.
બાળપણમાં પિતાએ કહેલાં વચન મંત્રીને એક વાર યાદ આવ્યાં. રાજાનો આદેશ લઈ, સૈન્ય તૈયાર કરી એણે ઉજ્જયિની ઉપર આક્રમણ કર્યું અને જગનીક રાજાને હરાવ્યો. વિદ્યાવિલાસે ઉત્સવપૂર્વક રાજા તરીકે નગરપ્રવેશ કર્યો. પછી એણે દૂત મોકલી પોતાના પિતા ધનવાહ શેઠને તેડાવીને પૂછ્યું : “શેઠ, તમારે કેટલા પુત્ર?” ધનવાહે ઉત્તર આપ્યો : પ્રભુ ત્રણ પુત્રો વડે મારું ઘરસૂત્ર સારું ચાલે છે.'
વિદ્યાવિલાસે પૂછ્યું : “ત્રણ પુત્ર સિવાય તમારે કોઈ સંતાન હતું કે?” શેઠે ઉત્તર આપ્યો : “પ્રભુ! ચોથો બાળક તો રિસાઈને પરદેશ ગયો હતો.” રાજાએ પ્રગટ થઈને કહ્યું : “એ જ હું તમારો ચોથો પુત્ર” સૌ હર્ષિત થયાં અને ઇંદ્રની જેમ વિદ્યાવિલાસ ઉજ્જયિનીનું રાજ્ય કરવા લાગ્યો.
એક વાર જ્ઞાનતિલકસૂરિ ઉજ્જયિનીમાં આવ્યા અને રાજાએ સપરિવાર જઈને એમને વંદન કર્યા. સૂરિએ રાજાનો પૂર્વભવ કર્યો પૂર્વજન્મમાં કરેલી શાસ્ત્રની અવજ્ઞાને કારણે એ મૂર્ખચટ્ટ કહેવાયો, પણ તપના પ્રભાવથી માળવાનો રાજા થયો. આ સાંભળી રાજાને જાતિસ્મરણ-પૂર્વજન્મનું સ્મરણ – થયું અને લક્ષ્મીને પવન સમાન, યૌવનને સંધ્યારાગ સમાન અને જીવિતને જલબિન્દુ સમાન જાણીને, પુત્રને રાજ્ય સોંપી એણે દીક્ષા લીધી અને એ સંયમપૂર્વક શિવપુરી પહોંચ્યો.
કવિતા, છંદોબંધ અને ભાષા એ ત્રણે દૃષ્ટિએ વિદ્યાવિલાસ પવાડો' એક નોંધપાત્ર કૃતિ છે. નિશાળે ભણવા જતી રાજકન્યા સૌભાગ્યસુન્દરીનું વર્ણન :
સોલ કલા સુંદરિ સસિવયણી, ચંપકવત્રી બાલ; કાજલસામલ લહકઈ વેણી, ચંચલ નયણ વિસાલ. અધર સુરંગ જિમ્યા પરવાલી, સરલ સુકોમલ બાહ, પણ પયોહર અતિહિં મણોહર, જાણે અમિય-પ્રવાહ. ઊરયુગલ કિરિ કદલીવંભા, ચરણકમલ સુકમાલ; મયગલ જિમ માલ્ડંતી ચાલઈ, બોલઈ વયણ રસાલ.
(કડી ૧૭-૧૮)