________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૯૫
સમ્રાટ સંપ્રતિ
૯૮.
સમ્રાટ અશોકના કાળની આ વાત છે.
એક બપોરે સાધુઓ ગોચરી લેવા નીકળ્યા હતા. ગોચરી લઈને તે પાછા ફરી રહ્યા હતા ત્યાં તેમને એક ભિખારી મળ્યો. તેણે કહ્યું : “આપની પાસે ભિક્ષા છે. તો થોડુંક ભોજન મને આપો. હું ભૂખ્યો છું. ભૂખથી હું મરી રહ્યો છું.” એ સમયે સાધુએ વાત્સલ્યભાવથી કહ્યું : “ભાઈ, આ ભિક્ષામાં અમે તને કશું ન આપી શકીએ. કારણ કે એના ઉપર અમારા ગુરુદેવનો અધિકાર છે. તું અમારી સાથે ગુરુદેવ પાસે આવ. તેમને તું પ્રાર્થના કરજે. તેમને યોગ્ય લાગશે તો એ તને ભોજન કરાવશે.”
સાધુનાં સરળ અને પ્રેમાળ વચનો પર એ ભિખારીને વિશ્વાસ બેઠો. એ સાધુઓની પાછળ પાછળ ગયો. સાધુએ ગુરુદેવ આચાર્યશ્રી આર્યસુહસ્તિને વાત કરી. ભિખારીએ પણ આચાર્યદેવને ભાવથી વંદના કરી અને ભોજનની માગણી કરી. આચાર્ય શ્રી આર્યસુહસ્તિ વિશિષ્ટ કોટિના જ્ઞાની પુરુષ હતા, તેમણે ભિખારીનો ચહેરો જોયો. થોડીક પળ વિચાર્યું, ભવિષ્યમાં મોટો ધર્મપ્રચારક થશે એમ જાણીને ભિખારીને કહ્યું, મહાનુભાવ ! અમે તને માત્ર ભોજન આપીએ એમ નહીં પણ તને અમારા જેવો પણ બનાવી દઈએ. બોલ તારે બનવું છે સાધુ ?”
ભિખારી ભૂખથી વ્યાકુળ હતો, ભૂખનો માર્યો માણસ શું કરવા તૈયાર નથી થતો ? ભિખારી સાધુ બનવા તૈયાર થઈ ગયો. એને તો ભોજનની મતલબ હતી ! અને કપડાં પણ સારું મળી રહેવાનાં હતાં. ભિખારીએ સાધુ બનવાની હા પાડી. દયાભાવથી સાધુઓએ તેને વેશ પરિવર્તન કરાવીને દીક્ષા આપી અને તેને ગોચરી કરવા બેસાડી દીધો.
આ નવા સાધુએ પેટ ભરીને ખાધું. ઘણા વખતે સારું ભજન મળવાથી ખાવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ખાધું. રાતના એના પેટમાં પીડા ઊપડી. પીડા વધતી ગઈ. પ્રતિક્રમણ કર્યા પછી તો એ બધા સાધુ તેની પાસે બેસી ગયા અને નવકાર મહામંત્ર સંભળાવવા લાગ્યા. પ્રતિક્રમણ કરવા આવેલા શ્રાવકો પણ આ નવા સાધુની સેવા કરવા લાગ્યા.