________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૬
આચાર્યદેવ પોતે પ્રેમથી ધર્મ સંભળાવવા લાગ્યા. આ બધું જોતાં નવા સાધુ મનમાં વિચારવા લાગ્યા કે, હું તો પેટ ભરવા માટે સાધુ બન્યો હતો. કાલે તો આ લોક મારા તરફ જોતા પણ ન હતા અને આજે તેઓ મારા પગ દબાવે છે. અને આ આચાર્યદેવ ! કેટલી બધી કરણા છે તેમનામાં. મને સમાધિ આપવા માટે તેઓ કેવી સરસ ધાર્મિક વાતો મને સમજાવી રહ્યા છે. આ તો જૈન દીક્ષાનો પ્રભાવ. પણ જો મેં સાચા ભાવથી દીક્ષા લીધી હોત તો.. આમ સાધુધર્મની અનુમોદના કરતાં કરતાં અને નવકાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં તેનું મૃત્યુ થયું અને મહાન અશોક સમ્રાટના પુત્ર કુણાલની રાણીની કુક્ષિએ તેનો જન્મ થયો. તેનું નામ સંપ્રતિ રાખ્યું.
વયસ્ક થતાં તેઓને ઉજજૈનીની રાજગાદી મળી અને સમ્રાટ સંપ્રતિ તરીકે ઓળખાવા લાગ્યા.
એક વખત તેઓ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા અને રાજમાર્ગ પર થતી અવરજવરને જોઈ રહ્યા હતા. ત્યાં તેમણે કેટલાક સાધુઓને પસાર થતા જોયા. તેમની આગળ ચાલતા જે સાધુ મહારાજ હતા તે તેમને કંઈક પરિચિત લાગ્યા. તેમને તે એકી ટસે જોઈ રહ્યા અને અચાનક જ તેમને પૂર્વજન્મની યાદ તાજી થઈ. તેમની સમક્ષ અગાઉના ભવની સ્મૃતિ તરવરી રહી. અને તે મોટા સાદે બોલી ઊઠ્યા ! ગુરુદેવ! તરત જ તેઓ દાદર ઊતરી રસ્તા પર આવ્યા અને ગુરુ મહારાજનાં ચરણોમાં શિર ઝુકાવી દીધું, અને તેમને મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું.
તેમને મહેલમાં લઈ જઈ પાટ ઉપર બેસાડી સમ્રાટ સંપ્રતિએ પૂછ્યું, ગુરુદેવ! મારી ઓળખાણ પડે છે?
'હા વત્સ ! તને ઓળખ્યો ! તું મારો શિષ્ય. તું પૂર્વ જન્મમાં મારો શિષ્ય હતો. ગુરુજીએ જણાવ્યું.
"સંપ્રતિએ કહ્યું, ગુરુદેવ આપની કૃપાથી જ હું રાજા બન્યો છું. આ રાજ્ય મને આપની કૃપાથી જ મળ્યું છે. નહિ તો હું એક ભિખારી હતો, ઘેર ઘેર ભીખ માગતો અને ક્યાંયથી રોટલીનો એક ટુકડે પણ નહોતો મળતો. ત્યારે આપે મને દીક્ષા આપી. ભોજન કરાવ્યું. ખૂબ જ વાત્સલ્યથી પોતાનો બનાવી દીધો. હે પ્રભો ! રાતના સમયે મારા પ્રાણ નીકળી રહ્યા હતા ત્યારે મારી પાસે બેસીને આપે નવકાર મહામંત્ર સંભળાવ્યો. મારી સમતા અને સમાધિ ટકે તે માટે આપે ભરચક પ્રયત્ન કર્યો. પ્રભુ ! મારું સમાધિમરણ થયું અને હું આ રાજકુટુંબમાં જન્મ્યો. આપની જ કૃપાનું આ બધું ફળ છે.”