________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૪૩
મોટા આડંબરથી પોતાની બહેન વિષાને તેની સાથે પરણાવી. દામનક તેની સાથે સુખેથી વિલાસ કરવા લાગ્યો. કેટલેક દિવસે સાગર શ્રેષ્ઠી ઘેર આવ્યો, એટલે વિષાના લગ્નની વાત જાણી તે અતિ ખેદ પામ્યો. તેણે વિચાર્યું કે, "અહો મારું ચિંતવેલું કાર્ય તો ઊલટું થયું, અને આ તો મારો જમાઈ થયો, તો પણ પ્રપંચથી તેણે મારી નાખું. પુત્રી વિધવા ભલે થાય પણ શત્રુની વૃદ્ધિ થાય તે સારું નહીં." આ પ્રમાણે વિચાર કરીને તેણે પેલા ચાંડાળ પાસે જઈને કહ્યું કે, “અરે ! તે દિવસે તેં મને આંગળીની નિશાની આપીને છેતર્યો તે ઠીક કર્યું નહીં.” ચાંડાળ બોલ્યો કે, હે શેઠજી! હવે તેને દેખાડો, હું જરૂર મારી નાખીશ” પછી શ્રેષ્ઠી તેને મારવા માટે માતૃકાદેવીના દેરાનો સંકેત આપીને ઘેર આવ્યા અને દામન્નકને કહ્યું કે, “હે વત્સ ! તું આજે સાંજે વિષા સહિત માતૃકાદેવીના પ્રાસાદમાં પૂજા કરવા જજે, કે જેથી દેવીની કૃપા વડે તમારા બન્નેનું કુશળ થાય."
સાંજે બન્ને દેવીના મંદિરમાં જવાનાં હતાં પણ કાળ સંયોગે તેમનો સાળો તેમનાથી પહેલાં મંદિરમાં પહોંચ્યો. પ્રથમથી જ શ્રેષ્ઠીનો સંકેત હોવાથી પેલા ચાંડાળે તેને દેરામાં પહોંચતાં જ જાણે તે દેવીને બલિદાન દેતો ન હોય તેમ તેને મારી નાખ્યો. પુત્રનું મરણ સાંભળીને સાગર શ્રેષ્ઠીની છાતી ફાટી ગઈ તેથી તે પણ મૃત્યુ પામ્યો. પછી રાજાએ દામન્નકને તેના ઘરનો સ્વામી કર્યો.
એક વખત રાત્રીના પાછલા પહોરે ભાટચારણના મુખથી દામનકે એક ગાથા સાંભળી, તેનો ભાવાર્થ એવો હતો કે, "નિરપરાધીને અનર્થમાં નાખવા માટે કોઈ અનેક પ્રયત્નો કરે તો તે ઊલટા તેને બહુ ગુણના કરનારા થાય છે. દુઃખને માટે કરેલા ઉપાય સુખ કરનારા થાય છે, કેમ કે દૈવ જ જેનો પક્ષ કરે તેને બીજો શું કરી શકે ?"
આ ગાથા તે ભાટ ત્રણ વાર બોલ્યો, એટલે દામન્નકે ત્રણ લાખ દ્રવ્ય આપ્યું. રાજાએ એટલું બધું આપવાનું કારણ પૂછ્યું, ત્યારે દામન્નકે પોતાનો સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો.
એકદા જ્ઞાની ગુરુ મળવાથી તેના પાસેથી પોતાના પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનનું ફળ જાણીને જાતિસ્મરણ થવાથી દમનક વિશેષ ધર્મનો રાગી થયો. અનુક્રમે મરણ પામીને દેવલોકનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે.