________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૪
નિર્મલા
રાજા પ્રજાપાળના રાજકુળમાં મોદી ધર્મમિત્રનું ચલણ હતું. ધર્મમિત્ર પ્રમાણિક વ્યાપારી હતો. રાજકુળમાં મહારાણીથી માંડીને એક સામાન્ય દાસીને પણ એની દુકાને છેતરાવાનો ભય નહિ. ગામમાં પણ ધર્મમિત્રનું નામ આવ્યું કે એના માલ માટે કે ભાવ માટે કોઈને કાંઈ પૂછવાનું નહિ. રાજાના મોદીની આ પ્રમાણિકતા માટે જો કોઈ પ્રેરણા મૂર્તિ હોય તો તે ધર્મમિત્રની સુશીલ પત્ની નિર્મલા હતી.
૭૯.
નિર્મલા આમ રૂપ રૂપની અંબાર રૂપે રતિનો અવતાર હતી, છતાં એના દેહસૌંદર્યની પાછળ આત્માનું સૌંદર્ય અનુપમ હતું. સ્ત્રી શરીરનું શીલહીન સૌંદર્ય અવશ્ય વિકૃત પુરુષોના સંસારને માટે શ્રાપરૂપ છે, પણ જો એ સૌંદર્યની સાથે સુશીલતા ભરેલી પડી હોય તો એ સ્ત્રી સમસ્ત સંસારમાં આશીર્વાદ રૂપ છે, સુવાસ જેમ પુષ્પનું મૂલ્ય છે, તેમ સુશીલતા સ્ત્રી શરીરની મહામૂલ્ય મૂડી છે.
પ્રજાપાળની રાજસભામાં ઘણા હજુરિયાઓ હતા, તેમાં એક હજામ વિઘ્નસંતોષી હતો. અયોગ્ય માણસનો સંસર્ગ સારા માણસોને પણ જીવનમાં ડાઘ લગાડનારો બને છે.
પ્રજાપાલ રાજા માટે પણ આમ જ બન્યું.
એક વખત રાજાની પાસે ગામ-ગપાટાની વાતો ચાલતી હતી, ત્યાં જીવા હજામે ધીરે રહીને વાત મૂકી, 'માલિક ! કહું છું પણ વધારે પડતું કદાચ ગણાશે, તો પણ હજૂરની આગળ કહેવામાં શરમ શી ? આપણા આખા રાજ્યમાં મોદીના ઘરમાં જેવું માણસ છે, એવું તો કોઈ જગ્યાએ નહિ. અરે ! ખુદ માલિકના અંત:પુરમાં પણ નહિ.
હજામની જીભે તાળું ન હતું, આંખોના ચમકારા મારતાં મારતાં એણે વાતનો મમરો મૂક્યો. રાજા પાસે તે વેળા બે-ચાર આવા જ ખુશામદખોરો સિવાય બીજું કોઈ જ ન હતું. બધાએ હજામની વાતમાં ટાપસી પૂરી. રાજાનું ચંચળ મન ક્ષણ વારમાં વિચારોના ચકડોળે ચડ્યું. જીવાએ વિકારના વિષને વધારવા માંડ્યું. શું રૂપ ! શું તેજ ? અરે હું સૌંદર્ય ! જાણે ઇન્દ્રલોકની અપસરા; હજૂર આવું રૂપ તો જીવનભરમાં જોયું નહિ હોય. હજામની લુચ્ચ
જાતને બોલવાની કળા કોઈની પાસેથી શીખવાની હોતી નથી.
રાજાની મનોવૃત્તિમાં વિકારનું ઝેર આમ ધીરે ધીરે પ્રવેશતું ગયું. “આવી સુંદર સ્ત્રી મારા મોદીને ત્યાં ! એક વખત એને જોઈ તો લેવી, અને પછી એની શી તાકાત છે કે એ મારી 'હા'માં 'ના' કહી શકે ?”