________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૫
અવસર પામીને જીવો હજામ, રાજાની દાઢ ગળી ગઈ છે, એ જાણીને કહ્યા કરતો હતો : "માલિક ! આવું સ્રી રત્ન એ તો આપના રાજમહેલમાં જ શોભે. કાગડાના કંઠે મોતીની માળા ન હોય. હીરાનો હાર તો રાજાના ગળે જ દીપે."
રાજાએ આથી મોદીની સ્ત્રીને લલચાવવા પેંતરા શરૂ કર્યા. પોતાનાં ખાસ દાસ-દાસી દ્વારા કિંમતી વસ્તુઓ નિર્મલાને તેણે ભેટ મોકલવા માંડી. શાણી નિર્મલા રાજાની બૂરી દાનત જાણી ગઈ, આવા હૈયા વિનાના રાજવીની મહેરબાની એ આગના ભડકા સાથે રમત છે, એમ એ તરત પામી ગઈ. પોતાના મહામૂલ્ય શીલધનને સાચવવા માટે એ સજાગ હતી. બળ કરતાં અવસર આવે કળથી કામ લેવાનો એણે નિશ્ચય કર્યો.
નિતનિત મોકલાતી ભેટો નિર્મલા આમ આનાકાની વિના સ્વીકારી લે છે, એ જાણ્યા પછી રાજાએ નક્કી કર્યું : જરૂર પંખી પાંજરામાં આવી ગયું છે કારણ કે વિકારવશ આત્માઓની સૃષ્ટિ, એના પોતાના માનસિક, વિકારોના પડધા રૂપ એને લાગે છે. જેવી ષ્ટિ તેવી સૃષ્ટિ' એ લોકોક્તિ આવા આત્માઓના માનસનું પ્રતિબિંબ પાડી જાય છે.
રાજાએ નિર્મલાને મળવા માટે હવે નવો તુક્કો ગોઠવ્યો. તેણે ખાસ કામ બતાવી, મોદીને એક અઠવાડિયા માટે પરગામ જવાનો આદેશ આપ્યો. ધર્મમિત્રે જયારે નિર્મલાની આગળ પરગામ જવાની વાત કરી, એટલે ચતુર એવી તે, રાજાની દાનત જાણી ગઈ. તેણે જતી વેળા, પતિની સમક્ષ અથથી ઇતિ સુધી હકીકત કહી સંભળાવી.
ધર્મમિત્રને નિર્મલાની પવિત્રતા, દઢતા તથા ધીરતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી. એ પરગામ ગયો. ઘરનાં દાસ-દાસીઓને નિર્મલાએ સાવધ રહેવા સૂચના કરી દીધી.
રાજાએ બીજી સવારે ખાસ માણસ દ્રારા છૂપું કહેણ મોકલ્યું, “આજે સાંજે રાજાજી તમારે ત્યાં આવવાના છે.” નિર્મલા પહેલેથી આવું કંઈક થશે એમ જાણતી હતી. તેણે રાજાને યોગ્ય બધી તૈયારીઓ કરાવી રાખી.
પ્રજાના પાલક ગણાતા રાજવીના હૈયામાં પાપ ભાવનાનું અંધારું વધુ ગાઢ બન્યું. સાંજે છૂપી રીતે તે મોદીના ઘરમાં એકલો ઘૂસ્યો. નિર્મલાએ રાજવીના આતિથ્ય માટે બધી તૈયારી રાખી હતી. રાજાને એકાંત જોઈતું હતું. નિર્મલાના દેહસૌંદર્યની પૂંઠે પાગલ બનેલાને આજે કાંઈ ભાન નહતું. તે નિર્મલાની સાથે એકાંત માણવા ખૂબ જ અધીરો બન્યો હતો.
નિર્મલાના આદેશ મુજબ ઘરના નોકરોએ સુવર્ણજડિત થાળમાં એક પછી એક વાનગીઓ હાજર કરવા માંડી. મહામૂલ્યવાન કચોલાઓમાં સુંદર ગુલાબજાંબુઓ પીરસ્યાં. રાજાના મોઢમાંથી આ જોતાં પાણી છૂટયું અને મનથી સમજ્યો કે ખાસ પોતાની પ્રિયતમાએ પોતાના માટે વાનગીઓ તૈયાર કરી છે. ખાવાની શરૂઆત કરતાં દરેક મીઠાઈ થોડી થોડી ખવાયેલી એટલે કોઈની એંઠી કરેલી એને જણાઈ.