________________
ગ્રંથકાર ચરિત્રાવળીનું કાર્ય હજી ચાલુ છે.
અર્વાચીન વિદ્યમાન ગ્રંથકારોમાંના ઘણાખરા વિષે બહાર પડેલા ગ્રંથ અને ગ્રંથકારના ગ્રંથમાંથી ઉપયુક્ત માહિતી મળી રહે છે.
અર્વાચીન વિદેહી વિષે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે; અને હવે પછી પ્રાચીન કવિઓ વિષે, ઉપલબ્ધ સાધને ઉપરથી, સંક્ષેપમાં, તેમનું ચરિત્ર આલેખવા તેમ તેમની કૃતિઓ સાલવાર નોંધવા તજવીજ કરવામાં આવશે.
ગુજરાતી ભાષા સાહિત્યના વિષયમાં હજી એટલું બધું કરવાનું બાકી રહે છે, કે, તેના મૂળ ધ્યેયને વળગી રહી, “ગ્રંથ અને ગ્રંથકાર” તેનું વ્યક્તિત્વ સિદ્ધ કરે, એ જ હાલના સંજોગોમાં, ઈષ્ટ અને જરૂરનું છે.
આ વર્ષે ગુજરાતી ભાષા વિષેના પ્રકીર્ણ લેખે, જે મેળવવામાં અડચણ પડતી અને યુનિવરસિટી તરફથી જે લેખો અભ્યાસ સારૂ ભલામણ થતા તે સંગ્રહીને છાપ્યા છે.
ગ્રંથ અને ગ્રંથકારની પ્રવૃત્તિમાં શ્રીયુત બચુભાઈ રાવત પ્રથમથી સહાયતા આપતા આવેલા છે; અને સન ૧૯૩૫ ની કવિતાની પસંદગી આ વર્ષે એમણે જ કરી આપેલી છે; એ સેવાકાર્ય બદલ હું તેમને બહુ આભારી છું.
સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેનને આ પ્રકાશન સાથે નિકટ સંબંધ રહે છે, પણ તેના સંપાદનમાં તેઓ જે ઉલટ અને કાળજી દર્શાવે છે, તે, ખરે, સંપાદકને બહુ પ્રોત્સાહક થઈ પડે છે.
અમદાવાદ, તા. ૫-૧૦-૧૯૩૬ ઈ
હીરાલાલ ત્રિ. પારેખ