________________
પુસ્તક વિષે અહીં, ૧૯૬૫થી આજ સુધીમાં કોઈ ને કોઈ સામયિકમાં છપાઈ ચૂકેલા લેખોમાંથી ભાષાના હાર્દને સમજવામાં જે ઉપયોગી થાય તેવા લાગ્યા છે તે રજૂ કરવામાં આવ્યા છે.
લેખોની ગોઠવણી કાળક્રમે નથી કરી. ગોઠવણીમાં–ભાષાવિચાર, ગુજરાતી, મરાઠી અને કચ્છી ભાષા; એ પ્રમાણે ક્રમ રાખ્યો છે.
આમ હોવાથી લિંગ્વિસ્ટિકસ ઍન્ડ ઈંગ્લિશ લેંગવેજ-ટિચિંગને ક્રમમાં પ્રથમ રાખેલ છે. ત્યાર બાદ ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રના બે ગ્રંથો “ભાષાવિજ્ઞાન ભાગ ૧લો’ અને ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન” વિષે વાત કરી છે.
આ પછીથી પડોશની ભાષા મરાઠીમાં આ વિષયમાં ઉત્તમ ગણાય છે તેવા બે ગ્રંથોને જેવા-સમજવાનો પ્રયત્ન કર્યો છે.
અને છેલ્લે “કચ્છી શબ્દાવલિ : એક અધ્યયનનું અધ્યયન” લેખ મૂક્યો છે.
આમાંનો પ્રથમ લેખ “સંસ્કૃતિ' ફેબ્રુઆરી ૧૯૬૬માં, બીજો “ક્ષિતિજ' જાન્યુઆરી ૧૯૬૫માં, તે પછીના ત્રણ લેખો “ગ્રંથ'ના અનકમે જાન્યુઆરી અને મે ૧૯૬૭– તથા ઑગસ્ટ ૧૯૯૮ના અંકોમાં પ્રસિદ્ધ થયા હતા. છેલ્લો લેખ એ “કચ્છી શબ્દાવલિ' પર ૧૯૭૨ મેના “સ્વાધ્યાયમાં જે વિવેચન થયું તેના ઉત્તરરૂપે “વિદ્યાપીઠ' સપ્ટેમ્બર–ઍકટોબર ૧૯૭૨માં પ્રગટ થયેલો છે.
અહીં આ બધાં જ સામયિકોના તંત્રી મહાશયો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરું છું.
અહીં આ બધા લેખો જેવા છપાયા છે તેવા જ મૂકવામાં આવ્યા છે (અલબત્ત, છાપભૂલો સુધારીને).
ડૉ. ભાયાણીએ આ લેખો વિષે જે કંઈ કહ્યું છે તેથી કામ કરવાનું મન વધે તેવું છે. તેઓ પ્રત્યે સાભાર આદર પ્રગટ કરું છું.
કુલનાયકશ્રી રામલાલભાઈએ આ પ્રગટ કરવાની સુવિધા કરી આપી તે માટે તેઓશ્રીનો પણ આભારી છું.
શાન્તિભાઈ આચાર્ય